મુંબઈ – નાગરિકો તરફથી ભારે ઉહાપોહ થતાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યભરની શાળાઓમાં ભણવાના અને કામકાજના દિવસો આવતી 30 એપ્રિલ સુધી એટલે કે એક મહિના સુધી લંબાવવાનો વિવાદાસ્પદ સર્ક્યૂલર તે ઈસ્યૂ કર્યાના 24 કલાકમાં જ, આજે પાછો ખેંચી લીધો છે.
રાજ્યમાં તમામ શાળાઓમાં પરીક્ષા માર્ચ મહિનામાં જ પૂરી થઈ ગઈ હોવાથી પહેલાથી લઈને નવમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને 30 એપ્રિલ સુધી શાળામાં હાજર રહી ભણવાનું ચાલુ રાખવા બાબત સરકારે એક પરિપત્ર બહાર પાડતાં ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ પરિપત્રને કારણે ઉનાળાનું વેકેશન 1 મેથી શરૂ થાય એમ હતું. જ્યારે પરીક્ષાઓ ક્યારની પૂરી થઈ ગઈ છે. લાખો વિદ્યાર્થીઓ અને પરિવારોએ ઉનાળુ વેકેશન પડી જવાને ધ્યાનમાં લઈને બહારગામ જવા માટે રેલવે/બસ/વિમાન વગેરે પ્રવાસની ટિકિટો પણ અગાઉથી બુક/રિઝર્વ કરાવી દીધી હતી.
નાગરિકો તરફથી ઉહાપોહ થતાં રાજ્યના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું હતું કે સરકારે પરિપત્ર પાછો ખેંચી લીધો છે અને ધોરણ 1-9ના વિદ્યાર્થીઓએ 30 એપ્રિલ સુધી શાળાઓમાં હાજરી આપવાની જરૂર નથી.
આ પરિપત્રનો મુંબઈ પ્રિન્સીપાલ્સ એસોસિએશનના સેક્રેટરી પ્રશાંત રેડીજે જોરદાર વિરોધ કર્યો હતો. એમણે એવી દલીલ કરી હતી કે આમ સાવ છેલ્લી ઘડીએ આવો પરિપત્ર ઈસ્યૂ કરવાની જરૂર શું હતી? આવું પગલું ભરીને સરકાર શું લોકોના વેકેશનની મજા બગાડી નાખવા માગે છે? આવો નિર્ણય લેતા પહેલા પૂરતો સમય આપવો જોઈએ.
પરિપત્રનો બચાવ કરતાં મહારાષ્ટ્ર એકેડેમિક ઓથરિટી, પુણેના ડાયરેક્ટર સુનીલ મગરે કહ્યું કે ગવર્મેન્ટ રિઝોલ્યૂશન અનુસાર આ સર્ક્યૂલર બહાર પાડવામાં આવ્યો હતો. જોકે તે વિશે અમુક ગેરસમજ થઈ છે. સરકાર સ્કૂલ વેકેશનમાં કાપ મૂકવા માગતી નથી કે શાળાઓમાં કામકાજના દિવસો લંબાવવા માગતી નથી.
તેમ છતાં ઉહાપોહને કારણે સરકારે આ નોટિફિકેશન પાછું ખેંચી લેતાં લાખો માતા-પિતા, બાળકોએ રાહતનો શ્વાસ લીધો છે.