મુંબઈની લોકલ ટ્રેનોમાં અમુક ડબ્બાઓને એરકન્ડિશન્ડ કરવાના પ્રસ્તાવને મંજૂરી

મુંબઈ – રેલવે બોર્ડે મુંબઈની ઉપનગરીય (લોકલ) ટ્રેનોમાં આંશિક રીતે એરકન્ડિશનિંગ સુવિધા પૂરી પાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

વધુમાં વધુ, 78 લોકલ ટ્રેનો (ઈલેક્ટ્રિકલ મલ્ટિપલ યુનિટ – EMU)ના છ-છ ડબ્બાઓને એરકન્ડિશન બનાવવામાં આવશે. દરેક ટ્રેનમાં 12-12 ડબ્બા હોય છે.

ગયા જાન્યુઆરીમાં, મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશને મુંબઈની લોકલ ટ્રેનોને આંશિક એરકન્ડિશન્ડ બનાવવાની નીતિ અંગે ચર્ચા કરી હતી. ત્યારબાદ રેલવે બોર્ડને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો.

મુંબઈની લોકલ ટ્રેનોનું ઉત્પાદન ચેન્નાઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં કરવામાં આવે છે. આ કંપની 39 ટ્રેનોને નવો ઓપ આપશે અને એને સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ બનાવશે. રેલવે તંત્ર એ 39 ટ્રેનોમાંથી છ-છ ડબ્બાનો ઉપયોગ કરીને હાલની લોકલ ટ્રેનોના છ-છ ડબ્બાઓને એસીમાં રીપ્લેસ કરશે.

રેલવે અધિકારીઓનો પ્લાન મોટરમેનની કેબિનની પાછળ લાગતા પહેલા છ ડબ્બાઓને એરકન્ડિશન્ડ બનાવવામાં આવશે. એ તમામ ડબ્બા વેસ્ટીબ્યૂલ હશે અને દરેકમાં સીસીટીવી કેમેરા મૂકેલા હશે તેમજ તમામ ડબ્બાઓમાં ઓટોમેટિક દરવાજા હશે.

હાલ એક એરકન્ડિશન્ડ ટ્રેન ચર્ચગેટથી વિરાર વચ્ચે દર સોમવારથી શુક્રવાર સુધી દોડાવવામાં આવે છે. આ ટ્રેન દરરોજ માત્ર 12 ટ્રિપ જ કરે છે. આ ટ્રેનમાં દરરોજ માત્ર 6 હજાર જેટલા લોકો જ પ્રવાસ કરે છે. આમ, આ પ્રતિસાદ કંગાળ છે.

મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશન કંપનીએ આવતા ત્રણ વર્ષમાં 210 એસી ટ્રેનો પૂરી પાડવાનો ઓર્ડર આપી દીધો છે. ટ્રેનોને પાર્ટલી એરકન્ડિશનિંગ કામચલાઉ વ્યવસ્થા છે. ભવિષ્યમાં બધી જ ટ્રેનો એસી કરવાનો પ્લાન છે.

દરેક એસી કોચનો ખર્ચ આશરે રૂ. 6.25 કરોડ થાય છે.