મુંબઈઃ ત્રણ મોટા ઔદ્યોગિક પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં ચાલ્યા ગયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હવે મહારાષ્ટ્ર રાજ્યના વિકાસ માટે બે લાખ કરોડ રૂપિયાના 225 ઔદ્યોગિક પ્રકલ્પ સ્થાપવાની આજે ઘોષણા કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં મહારાષ્ટ્રમાંથી મોટા ઉદ્યોગધંધા ગુજરાત ચાલી જતા એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસની સરકાર પર ટીકાની ઝડી વરસી રહી હતી. એને પગલે વડા પ્રધાન મોદીએ જ મહારાષ્ટ્રમાં મોટા પાયે મૂડીરોકાણની ઘોષણા કરીને રાજ્ય સરકારને મોટી રાહત પૂરી પાડી છે.
મહારાષ્ટ્ર સરકાર વતી આજે મુંબઈમાં ‘મહાસંકલ્પ’ નામે ‘રોજગાર મેળાવા’ (નોકરી મેળો) આયોજિત કરવામાં આવ્યો હતો. એમાં રાજ્ય સરકારે દેશની આઝાદીના 75 વર્ષની સમાપ્તિના અવસરે 75,000 લોકોને રોજગાર આપવાના સંકલ્પનો અમલ કર્યો હતો. આ પ્રસંગે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું. કેન્દ્ર સરકાર તરફથી મહારાષ્ટ્ર રાજ્ય માટે 225 યોજનાઓને મંજૂરી આપવાની ઘોષણા કરીને મોદીએ કહ્યું કે આનાથી રાજ્યમાં તરુણો માટે અસંખ્ય રોજગારની તકો ઉપલબ્ધ થશે.