અંધેરી (ઈસ્ટ) વિધાનસભા પેટાચૂંટણીમાં ઋતુજા લટકે વિજયી

મુંબઈઃ અહીંના અંધેરી (પૂર્વ) વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણીમાં આજે પરિણામ જાહેર થયું છે. ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે શિવસેના પાર્ટીનાં ઉમેદવાર ઋતુજા લટકેએ પ્રચંડ બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો છે. એમને 65,530 મત મળ્યા છે. તે પછીના ક્રમે 12,806 મતો સાથે NOTA (નન ઓફ ધ અબાઉ – ઉપર દર્શાવેલાઓમાંથી કોઈ નહીં) કેટેગરી આવે છે. ભારતના ચૂંટણી ઈતિહાસમાં NOTA કેટેગરી માટે આટલી મોટી સંખ્યામાં મતો આ પહેલી જ વાર મળ્યા છે.

ઋતુજા લટકેએ એમનો આ વિજય એમનાં સ્વર્ગીય પતિ રમેશ લટકેને સમર્પિત કર્યો છે. તેમજ મહાવિકાસ આઘાડીના તમામ કાર્યકરોનો આભાર માન્યો છે.

રમેશ લટકેનું ગયા મે મહિનામાં દુબઈમાં નિધન થયું હતું. એ વખતે તેઓ અંધેરી (પૂર્વ) મતવિસ્તારના વિધાનસભ્ય હતા. એમના નિધનને કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવી પડી છે. એ માટે ગઈ 3 નવેમ્બરે મતદાન થયું હતું. અંધેરી (પૂર્વ)માં ગુંદવલી મ્યુનિસિપલ સ્કૂલમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. એમાં 200 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. મતગણતરી વખતે 300 જેટલા પોલીસ જવાનોનો પહેરો ગોઠવવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ મહાનગરપાલિકા કર્મચારી ઋતુજા લટકેને મહાવિકાસ આઘાડી સંગઠનના પક્ષોનો સંપૂર્ણ ટેકો હતો – જેમ કે, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે), કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી. શિવસેના (યૂબીટી)એ તેના નવા નામ અને ચૂંટણીપ્રતિક (મશાલ) સાથે આ પહેલી જ વાર ચૂંટણી લડી છે. ઋતુજા સામે છ ઉમેદવારો ઊભાં હતાં. એમાં ચાર અપક્ષ હતા અને બે સ્થાનિક રાજકીય પક્ષોના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીએ તેના ઉમેદવાર મુરજી પટેલને ચૂંટણીની રેસમાંથી હટાવી લીધા હતા જ્યારે આમ આદમી પાર્ટી, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના જેવા પક્ષોએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા નહોતા.