મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત રહસ્યમય મૃત્યુ કેસમાં બહાર આવેલા માદક દ્રવ્યોના સેવન-ધંધાના મામલે કરાતી તપાસના સંબંધમાં પકડાયેલા ચક્રવર્તી બહેન-ભાઈ – રિયા અને શૌવિકની અદાલતી કસ્ટડીની મુદત સ્પેશિયલ કોર્ટે 6 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.
સ્પેશિયલ કોર્ટે રિયા અને શૌવિકે જામીન માટે નોંધાવેલી અરજીને આજે નકારી કાઢી હતી. કોર્ટે રિયા અને શૌવિક ઉપરાંત ધરપકડ કરાયેલા અન્ય તમામ લોકોની અદાલતી કસ્ટડીને 6 ઓક્ટોબર સુધી લંબાવી દીધી છે.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના તપાસનીશ અધિકારીઓએ આ તમામની ધરપકડ કરી છે.
રિયા અને શૌવિકને આજે અહીં સ્પેશિયલ જજ જી.બી. ગુરવ સમક્ષ હાજર કરવામાં આવ્યાં હતાં. એનસીબીની માગણીને માન્ય રાખીને જજે તમામ આરોપીઓની ન્યાયિક કસ્ટડીની મુદત લંબાવી દીધી હતી. અન્ય આરોપીઓને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે.
સ્પેશિયલ કોર્ટે આ બીજી વાર ચક્રવર્તી ભાઈ-બહેનની જામીન અરજી નકારી કાઢી છે. અગાઉ 11 સપ્ટેમ્બરે કોર્ટે એમની જામીન નકારી કાઢી હતી.
34 વર્ષીય સુશાંત સિંહ રાજપૂત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ) ઉપનગરમાં તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.
કેન્દ્ર સરકારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. સીબીઆઈ આ કેસમાં અલગ રીતે તપાસ કરી રહી છે. ચક્રવર્તી ભાઈ-બહેન તથા અન્યો પર આરોપ છે કે તેમણે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો.
એનસીબી એજન્સી આ કેસમાં ડ્રગ્સના મામલે તપાસના સંબંધમાં અત્યાર સુધીમાં 18 જણની ધરપકડ કરી ચૂકી છે.
રિયાનાં વકીલ સતીષ માનશિંદેએ કહ્યું કે રિયા અને શૌવિક, બંનેએ મુંબઈ હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી છે. એની સુનાવણી બુધવારે કરવામાં આવનાર છે.