મુંબઈઃ શહેરના પોલીસ કમિશનર પરમબીર સિંહે આજે ચોંકાવનારી માહિતી આપતા કહ્યું કે ઘાલમેલ કરીને TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) રેટિંગ્સ મેળવવાના કૌભાંડના મામલે રિપબ્લિકન ટીવી તથા અન્ય બે ચેનલ સામે પોલીસ તપાસ કરવામાં આવી રહી છે. આ કૌભાંડના સંદર્ભમાં હાલ બે જણની ધરપકડ કરવામાં આવી છે.
પરમબીર સિંહે પત્રકારોને જણાવ્યું કે ટીઆરપી મેનિપ્યુલેશનના મામલે અત્યાર સુધી થયેલી તપાસમાં માલૂમ પડ્યું છે કે રિપબ્લિક ટીવી તથા અન્ય બે મરાઠી ચેનલ – ફક્ત મરાઠી અને બોક્સ સિનેમા આ ગેરરીતિમાં સંડોવાયેલી છે.
પોલીસ તપાસમાં એ પણ માલૂમ પડ્યું છે કે ટીવી જાહેરખબરોની માર્કેટ આશરે રૂ. 40,000 કરોડની છે અને રિપબ્લિક ટીવીએ ગેરરીતિ આચરીને ખૂબ કમાણી કરી છે.
પોલીસનું કહેવુું છે કે બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) સંસ્થા દર સપ્તાહે ટીઆરપી રેટિંગ ઈસ્યૂ કરે છે. બ્રોડકાસ્ટર્સ, એડવર્ટાઈઝર્સ અને એડવર્ટાઈઝિંગ અને મિડિયા એજન્સીઓની બનેલી આ સંસ્થાએ 2000 ઘરોમાં ટીઆરપી મોનિટરિંગ માટે ગુપ્ત રીતે બેરોમીટર મશીનો બેસાડ્યા હતા. હંસા રિસર્ચ ગ્રુપ પ્રા.લિ. નામની એક કંપની ટીવી ચેનલોના ટીઆરપી રેટિંગ્સ પર દેખરેખ રાખે છે, જે અત્યંત ખાનગી હોય છે. પરંતુ, પકડાયેલા માણસોએ જે ઘરોમાં બેરોમીટર બેસાડવામાં આવ્યા હતા તેના લોકોને એમ જણાવ્યું હતું કે એમણે ચોક્કસ ચેનલને જ જોવી અથવા આખો દિવસ ચાલુ રાખવી.
પોલીસે આ કૌભાંડના સંદર્ભમાં હાલ બે જણની ધરપકડ કરી છે.
રિપબ્લિક ટીવી હાલ અન્ય ટીવી ચેનલો કરતાં ખૂબ વધારે ટીઆરપી ધરાવે છે.
પોલીસ કમિશનર પરમબીર સિંહે કહ્યું કે પોલીસ ટીવી ચેનલોના બેન્ક એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવશે. તદુપરાંત એમને એડવર્ટાઈઝર્સ તરફથી મળેલા ફંડની પણ તપાસ કરાશે અને એ ચેક કરાશે કે એ પૈસા ગુનાખોરીની પ્રવૃત્તિઓમાંથી મેળવેલા છે કે નહીં.
ફરિયાદ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે મલાડ ઉપનગરમાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે પોતે BARCનો જ એક ભાગ એવી એક કંપની માટે કામ કરે છે. ત્યારબાદ અન્ય એક જણની પણ ધરપકડ કરાઈ હતી તથા હંસા રિસર્ચ ગ્રુપ પ્રા.લિ.ના બે કર્મચારી પોલીસની નજરે ચડ્યા છે.
આરોપીઓએ એમને અપાયેલી ખાનગી માહિતીનો દુરુપયોગ કર્યો હતો. અનેક ટીવી ચેનલોને ખોટી રીતે લાભ કરાવવા માટે તેમણે આવું ખોટું કામ કર્યું હતું. આને કારણે અનેક એડવર્ટાઈઝર્સ અને એમની એજન્સીઓને આર્થિક ખોટ ગઈ હતી.
પ્રાથમિક તપાસમાં એવું પણ માલૂમ પડ્યું છે કે આરોપીઓએ ઘરના માણસોને પૈસા આપીને કહ્યું હતું કે એમણે ચોક્કસ ટીવી ચેનલો જ જોવી. એમ કરીને આરોપીઓએ સેમ્પલિંગ મીટરિંગ સેવામાં ઘાલમેલ કરી હતી. જે ઘરોમાં બેરોમીટર બેસાડવામાં આવ્યા હતા એમાંના ઘણા લોકોએ કબૂલ કર્યું હતું કે એમને તેમના ટીવી સેટ ચોક્કસ ચેનલ પર રાખીને સતત ચાલુ રાખવા જણાવવામાં આવ્યું હતું, પછી ભલે તેઓ એ જોતા નહોતા.
આ વિશે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જેમણે તેમને 9 ઓક્ટોબર સુધી ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાની મંજૂરી આપી છે.
રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીનો વળતો આરોપ
રિપબ્લિક ટીવીના એડિટર-ઈન-ચીફ અર્ણબ ગોસ્વામીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે અમે સુશાંત સિંહ રાજપૂત કેસમાં પોલીસ કમિશનર પરમબીર સિંહ સામે સવાલ ઉઠાવ્યો હતો એટલે તેમણે અમારી ચેનલનું નામ આપ્યું છે. રિપબ્લિક ટીવી એમની સામે ક્રિમિનલ માનહાનિનો કેસ નોંધાવશે. BARCના એક પણ અહેવાલમાં રિપબ્લિક ટીવીનું નામ આપવામાં આવ્યું નથી.
ગોસ્વામીએ એમ પણ કહ્યું છે કે પરમબીર સિંહે અમારી સત્તાવાર રીતે માફી માગવી પડશે નહીં તો કોર્ટમાં માનહાનિના કેસનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.