ચેક બાઉન્સ કેસમાં અમીષા પટેલને રૂ.500નો દંડ કરાયો

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ સામે કરાયેલા ચેક બાઉન્સ કેસમાં ફરિયાદી પક્ષના સાક્ષીની ઉલટતપાસ કરવા માટે અમિષાનાં વકીલ હાજર ન રહેતાં ઝારખંડના રાંચી શહેરની સિવિલ કોર્ટે અમીષાને રૂ. 500નો દંડ ફટકાર્યો છે. કોર્ટે હવે આ કેસની સુનાવણી માટે 7 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.

ચેક બાઉન્સનો આ કેસ 2018ની સાલનો છે. અમીષાએ આપેલો ચેક બાઉન્સ થયા બાદ ઝારખંડનિવાસી ફિલ્મ નિર્માતા અજયકુમાર સિંહે એની સામે રાંચીની કોર્ટમાં કેસ કર્યો હતો.

નિર્માતાનો આરોપ છે કે એમની એક ફિલ્મમાં કામ કરવા માટે અમીષાએ તેમની પાસેથી રૂ. અઢી કરોડ લીધા હતા, પરંતુ ફિલ્મમાં કામ કરવા માટે તે હાજર થઈ નહોતી. નિર્માતા અને અમીષા વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો. તે મુજબ, ફિલ્મ 2018માં રિલીઝ થઈ ન શકતાં નિર્માતાએ પોતાના પૈસા પાછા આપવાનું અમીષાને કહ્યું હતું. અમીષાએ એમને બે ચેક આપ્યાં હતા, પણ એ બંને બાઉન્સ થયા હતા. તેથી એમણે અમીષા સામે કેસ કર્યો હતો.