મુંબઈઃ અહીંના અંધેરી (પૂર્વ) ઉપનગરમાં શિવસેનાના વિધાનસભ્ય અને 52 વર્ષના રમેશ લટકેનું ગઈ કાલે રાતે દુબઈમાં હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું છે. લટકે એમના મિત્રને મળવા માટે પરિવારજનોની સાથે દુબઈ ગયા હતા. લટકેએ અંધેરીમાં સાર્વજનિક ગણેશ મંડળોના અધ્યક્ષ તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. શાખાપ્રમુખ બન્યા બાદ તેઓ નગરસેવક અને વિધાનસભ્ય બન્યા હતા.
એમણે અંધેરી (પૂર્વ)માં 1997થી 2012, એમ સતત ત્રણ મુદત માટે નગરસેવક પદ જીત્યું હતું. ત્યારબાદ 2014 અને 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ વિજયી થયા હતા. અંધેરી પૂર્વ વિધાનસભા મતદારસંઘ એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય. 2014ની ચૂંટણીમાં લટકેએ કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુરેશ શેટ્ટી અને ભાજપના સુનીલ યાદવને પરાજય આપ્યો હતો. 2019ની ચૂંટણીમાં, લટકેની સામે મુખ્ય હરીફ હતા અપક્ષ ઉમેદવાર મુળજી પટેલ, જેમને તેમણે 16 હજારથી વધારે મતથી હરાવ્યા હતા.