નારાજ પંકજા મુંડેને મનાવવાનાં ભાજપનાં પ્રયત્ન શરૂ; ફડણવીસે એમને ફોન કર્યો

મુંબઈ – મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનાં ફાયર બ્રાન્ડ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન પંકજા મુંડે એમનાં પક્ષથી નારાજ થયાં છે. એમને મનાવવાનાં પ્રયાસો પક્ષ તરફથી શરૂ પણ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્વ. ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડેએ એમનાં ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકીને પોતાની નારાજગી વ્યક્ત કર્યા બાદ ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.

એક અહેવાલ અનુસાર, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પંકજાને ફોન કરીને સમજાવ્યાં હતાં.

કહેવાય છે કે પંકજાની નારાજગી ફડણવીસની કાર્યપદ્ધતિ સામે જ છે. આમ, પોતાની વિરુદ્ધ બંડ પોકારનાર પંકજાને ખુદ ફડણવીસે જ ફોન કર્યો હતો અને એમને સમજાવવાના પ્રયાસો કરી જોયાં છે.

પંકજા મુંડેએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે આવતી 12 ડિસેંબરે ગોપીનાથ મુંડેની જન્મતિથિ હોઈ એ દિવસે ગોપીનાથ કિલ્લા ખાતે ઉપસ્થિત રહેવાનું પોતાનાં તમામ સમર્થકોને આમંત્રણ આપ્યું છે. એ દિવસે પંકજા કોઈક મોટી ઘોષણા કરે એવી ધારણા રખાય છે.

મહારાષ્ટ્રમાં હાલ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળ મહાવિકાસ આઘાડીની સરકાર સત્તારૂઢ થઈ છે અને ભાજપને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો છે ત્યારે પંકજા મુંડેનો બળવો ભાજપ માટે બીજી મોટી સમસ્યા બની ગયો છે.

ભાજપનાં અન્ય વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેએ કહ્યું છે કે પંકજા મુંડેની ફેસબુક પોસ્ટ વિશે વિરોધીઓએ ખોટો અર્થ કાઢ્યો છે.

બીજી બાજુ, શિવસેનાનાં રાજ્યસભા સાંસદ નેતા સંજય રાઉતે કહ્યું છે કે માત્ર પંકજા મુંડે જ નહીં, ભાજપના બીજા અનેક નેતાઓ શિવસેના પાર્ટીના સંપર્કમાં છે.