મુંબઈઃ અહીં મધ્ય મુંબઈમાં સેન્ટ્રલ રેલવે લાઈન પર આવેલા કરી રોડ ઉપનગરમાં આજે બપોરે લગભગ 12 વાગ્યે 60-માળની રહેણાંક ઈમારત અવિજ્ઞા પાર્ક એપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. તે દુર્ઘટનામાં એક જણનું મૃત્યુ થયું છે. મુંબઈ મહાનગરપાલિકાએ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો છે.
આગ બિલ્ડિંગના 19મા માળ પર લાગી હતી. એને કારણે આખા મકાનમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 19મા માળ પરના ફ્લેટમાંથી કાળા ધૂમાડાના ગોટા નીકળતા જોઈ શકાયા હતા. એક માણસ સળગતા માળ પર ગભરાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. તે માળની સાંકડી છાજલી પર લટકી રહ્યો હતો. બાદમાં એનું સમતોલપણું ગુમાતાં એ નીચે પટકાયો હતો અને મૃત્યુ પામ્યો હતો. એનું નામ અરૂણ તિવારી હતું અને તે 30 વર્ષનો હતો.
આગની જાણ થતાં આશરે 15 ફાયર ટેન્ડર્સ સાથે અગ્નિશામક દળના જવાનો ત્યાં પહોંચી ગયા હતા. આગ ઉપરના માળ પર ન ફેલાય એ માટે તેમણે કામગીરી શરૂ કરી દીધી હતી. મુંબઈનાં મેયર કિશોરી પેડણેકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને બચાવ કામગીરી પર દેખરેખ રાખી હતી. મોટાં ભાગના રહેવાસીઓ પોતપોતાની રીતે બચવામાં સફળ થયા હતા. એમાં કેટલાંક વરિષ્ઠ નાગરિકો અને બાળકો પણ હતાં. તે છતાં બે જણ અંદર ફસાયા હોવાનું કહેવાતું હતું. આગનું કારણ પ્રાથમિક રીતે શોર્ટ-સર્કિટ હોવાનું કહેવાય છે. મકાનમાં આગ સામેના તમામ સેફ્ટી-પગલાં લેવામાં આવ્યા છે, એવું રહેવાસીઓએ કહ્યું.