મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ મહાબીમારીના કેસ વધી રહ્યા છે તે છતાં રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ ન કરવાનો મહાવિકાસ આઘાડી સરકારે નિર્ણય લીધો છે. ગઈ કાલે અહીં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાના અહેવાલ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર છે.
પ્રધાનમંડળે રાજ્યમાં રાતનો કર્ફ્યૂ લાદવાની શક્યતાને પણ નકારી કાઢી છે. રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ અગાઉ જણાવી ચૂક્યા છે કે પોતે રાજ્યમાં ફરી લોકડાઉન લાગુ કરવા ઈચ્છતા નથી, પરંતુ કોરોના વાઈરસનું સંભવિત બીજું મોજું કદાચ સુનામી જેવી અસર ઊભી કરશે.
મહારાષ્ટ્રના રાહત અને પુનર્વસન ખાતાના પ્રધાન વિજય વડેટ્ટીવારે જણાવ્યું છે કે, અમે રાજ્યમાં ફરીથી લોકડાઉન કે રાત્રી-કર્ફ્યૂ લાદવા વિચારતા નથી. અમે કોરોના ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે એટલે કેસોની સંખ્યા વધી ગઈ છે. પરંતુ પરિસ્થિતિ અંકુશ હેઠળ છે.