વિસ્ફોટકો-ભરેલી કારનો મામલોઃ પોલીસ-અધિકારી સચીન વાઝેની ધરપકડ

મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના અત્રે દક્ષિણ મુંબઈસ્થિત નિવાસસ્થાન એન્ટિલીયાની નજીકથી ગયા મહિને મળી આવેલી વિસ્ફોટકો અને ધમકીભર્યા પત્રો સાથેની સ્કોર્પિયો કાર અને તે કારના માલિક મનસુખ હિરણના શંકાસ્પદ મૃત્યુના કેસના સંબંધમાં કેન્દ્રીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા મુંબઈના પોલીસ અધિકારી સચીન વાઝેની ધરપકડ કરવામાં આવી છે. મનસુખ હિરણ પડોશના થાણે શહેરના રહેવાસી હતા અને એમનો મૃતદેહ ગઈ પાંચ માર્ચે થાણે જિલ્લાના કળવા ઉપનગરમાં ખાડીમાંથી મળી આવ્યો હતો. એમના પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે એમના પતિની હત્યા કરવામાં આવી છે અને એમણે સચીન વાઝે પર આરોપ મૂક્યો છે. તેને પગલે વાઝેની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી અન્ય પદ પર બદલી કરી દેવામાં આવી છે.

‘એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ સચીન વાઝેની આ કેસમાં ધરપકડ કરવાની મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે માગણી કરી હતી. વાઝેએ પોતાની ધરપકડ ટાળવા માટે ગઈ કાલે પ્રી-એરેસ્ટ જામીન અરજી નોંધાવી હતી, પરંતુ થાણેની જિલ્લા સેશન્સ કોર્ટે તે નામંજૂર કરી હતી. એનઆઈએના અધિકારીઓએ ગઈ કાલે વાઝેને સવારે 11.30 વાગ્યે દક્ષિણ મુંબઈના કમ્બાલા હિલ વિસ્તારસ્થિત ઓફિસમાં બોલાવ્યા હતા અને 12 કલાક સુધી એમની પૂછપરછ કરી હતી. તે પછી રાતના 11.50 વાગ્યે એમની ધરપકડ કરવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]