મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વગાડવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય (માલેગાંવ શહેર, નાશિક જિલ્લો) આસીફ શેખે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની ધરપકડ કરવાની માગણી કરી છે. શેખે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અને પોતાની જ એનસીપી પાર્ટીના નેતા દિલીપ વલસે-પાટીલને પત્ર લખીને રાજ ઠાકરે સામે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવાની અને એમની ધરપકડ કરવાની માગણી કરી છે. શેખે કહ્યું છે કે કાયદો દરેકને માટે સમાન હોવો જોઈએ. જે કોઈ કાયદો તોડે એને સજા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેએ ગયા રવિવારે એમ જણાવ્યું હતું કે, ‘દેશમાંના મુસ્લિમોએ સમજવું જોઈએ કે ધર્મ કાયદા અને દેશથી ઉપર નથી. અમે મહારાષ્ટ્રમાં રમખાણો થાય એવું ઈચ્છતા નથી. નમાઝ પઢવા સામે કોઈને વાંધો-વિરોધ નથી. અમે ઈચ્છીએ છીએ કે મસ્જિદોમાં મૂકેલા અને દેશભરમાં ગેરકાયદેસર હોય એવા લાઉડસ્પીકરોને દૂર કરી દેવા જોઈએ. જો તમે (અઝાન માટે) લાઉડસ્પીકર ચાલુ રાખશો તો અમે પણ (હનુમાન ચાલીસા માટે) લાઉડસ્પીકરનો ઉપયોગ કરીશું. 3 મે પછી હું જોઈશ કે આ મામલે શું કરવું.’