મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકર વાપરવા પરવાનગી જરૂરી

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે ધાર્મિક સ્થળોએ લાઉડસ્પીકરોના ઉપયોગના મુદ્દે આજે એક ઓર્ડર બહાર પાડ્યો છે અને જણાવ્યું છે કે હવેથી આવા સ્થળોએ લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી પરવાનગી લેવી આવશ્યક રહેશે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વલસે-પાટીલ આ સંદર્ભમાં રાજ્યના પોલીસ વડા રજનીશ શેઠ સાથે આજે બેઠક યોજશે અને આ સંદર્ભમાં તમામ પોલીસ કમિશનરો તથા અધિકારીઓને આદેશ આપવાની તેમને સૂચના આપશે. લાઉડસ્પીકરના ઉપયોગના સંબંધમાં રાજ્યના પોલીસ વડા તથા મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડે સાથે બેસીને ગાઈડલાઈન્સ નક્કી કરશે અને એકાદ-બે દિવસમાં તેની જાહેરાત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરે અને મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીએ મસ્જિદો પરથી લાઉડસ્પીકરો દૂર કરવાની કરેલી માગણી વચ્ચે મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયે ઉક્ત નિર્ણય લીધો છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે મસ્જિદો પર દરરોજ લાઉડસ્પીકરો પરથી મોટા અવાજમાં અઝાન વગાડવામાં આવે છે અને બીજી કોમનાં લોકોને તે સાંભળવાની ફરજ પડે છે. જો રાજ્ય સરકાર 3 મે સુધીમાં મસ્જિદો પરના લાઉડસ્પીકરોને દૂર નહીં કરે તો મસ્જિદોની બહાર એનાથી પણ મોટા અવાજે હનુમાન ચાલીસા વગાડશે.