શિવસેના તરફથી મારા જાનને ખતરો છેઃ કિરીટ સોમૈયાનો સનસનાટીભર્યો દાવો

મુંબઈ – શિવસેના પાર્ટી મહારાષ્ટ્રમાં સત્તા પર આવતાં જ મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી હોવાથી મારા જાન પર ખતરો છે. આવો દાવો ભારતીય જનતા પાર્ટીના મુંબઈ સ્થિત ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ કર્યો છે.

સોમૈયાએ આ દાવો કર્યો છે એટલું જ નહીં, પરંતુ પોતાને સુરક્ષા મળવી જોઈએ એવી મહારાષ્ટ્રના ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર મોકલીને વિનંતી પણ કરી છે.

સોમૈયાએ એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમાં મહારાષ્ટ્ર વિકાસ આઘાડીની સરકાર સત્તા પર આવી છે અને શિવસેનાનાં પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મુખ્ય પ્રધાન બન્યા છે. એટલે મને શિવસેના તરફથી મને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે.

શિવસેના સામે મેં કરેલી ફરિયાદ રેકોર્ડ લેવાય એ માટે મેં ગૃહ સચિવ અને રાજ્યપાલને પત્ર લખ્યો છે, એમ સોમૈયાએ આજે જણાવ્યું છે.

એમણે વધુમાં ઉમેર્યું કે ભાજપના વિધાનસભ્ય પ્રવીણ દરેકરે પણ મારી સુરક્ષાનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો.

કિરીટ સોમૈયા અને શિવસેના વચ્ચેના બગડેલા સંબંધોનો વિવાદ જગજાહેર વાત છે.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ગત્ ચૂંટણી વખતે ભાજપે મુંબઈ-ઉત્તર પૂર્વ મતવિસ્તાર માટે કિરીટ સોમૈયાને ટિકિટ આપ્યા બાદ શિવસેનાએ એમની સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હતો. આખરે ભાજપે છેલ્લી ઘડીએ સોમૈયાને ટિકિટ ન આપીને એમની જગ્યાએ અન્ય નેતા મનોજ કોટકને ટિકિટ આપી હતી અને કોટક તે બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.