‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૨૦’ ફાઈનલ માટે ૧૦ નાટક પસંદ થયા

સુરત – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-2020’ (વર્ષ 14મું)નો ફાઈનલ રાઉન્ડ, જે મુંબઈના ભવન્સ-ચોપાટી ખાતે તારીખ ત્રીજી જાન્યુઆરી, 2020થી શરૂ થશે, એ માટે નિર્ણાયકો જીતેન્દ્ર ઠક્કર (અમદાવાદ) પ્રા.સોનલ વૈદ્ય કુલકર્ણી (સુરત) અને પ્રવીણ સોલંકી (મુંબઈ) એ ૧0 નાટકોને પસંદ કર્યા છે.

આજે 18મી ડિસેમ્બરની રાત્રીએ જયારે ઉદય આર્ટ, નવસારીના ગ્રુપ દ્વારા ‘અહમનું એન્કાઉન્ટર’ નાટક ભજવાયું પછી નિર્ણાયકોએ ખીચોખીચ ભરેલા “રંગ ભવન”માં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભવન્સ કલ્ચરલ સેન્ટર-અંધેરીના લલિતભાઈ શાહ મંચ ઉપર ઉપસ્થિત હતા. આ સ્પર્ધામાં સહયોગ આપનાર દરેકનો ભવન્સ કલ્ચરલ સેન્ટરના રમાકાંત ભગતે આભાર વ્યક્ત કર્યો હતો. સુરતના જાણીતા નાટ્યકાર કપિલદેવ શુક્લએ સ્પર્ધા અને નાટકો વિષે વાત કરી હતી.

પસંદ થયેલા દસ નાટકોની ભજવણી આગામી તારીખ ત્રીજી જાન્યુઆરીથી તેરમી જાન્યુઆરી, 2020 સુધી ભવન્સ – ચોપાટી, મુંબઈ ખાતે કરવામાં આવશે. નિર્ણાયકોએ આ ૧0 નાટકોની પસંદગી કરતી વખતે એમ કહ્યું, આ સ્પર્ધા જોયા પછી નાટકના વિષયો, એની માવજત, અભિનયકળા અને ભજવણીમાં વૈવિધ્યતા અને નાવીન્યતાને પ્રાધાન્ય આપીને નિર્ણય જાહેર કર્યોનું જણાવ્યું હતું. દરેક વર્ષે આ સ્પર્ધા વધુ ને વધુ ઊંચાઈ હાંસલ કરી રહી છે. નિર્ણાયકોની વાત પરથી એટલું તો સ્પષ્ટ છે કે મુંબઈના દર્શકોને આ વખતે પણ દરવર્ષની જેમ જ જલસો પડી જવાનો છે. મુંબઈમાં ભજવણી થનાર નાટકોનો ક્રમ (ટાઈમ ટેબલ) ‘ચિત્રલેખા’ના આગામી અંકમાં વિગતે અને પ્રવેશપત્ર માટેની કુપન સાથે પ્રકાશિત થશે.


અંતિમ સ્પર્ધા માટે પસંદ થયેલા ૧૦ નાટકો આ મુજબ છે.

(1) વિસ્ફોટ 2.0 – તમન્ના સાંસ્કૃતિક સોસાયટી, જામનગર, લેખક – દિગ્દર્શક – ગૌરવ પંડ્યા, 

(2) અંત વગરની વાત – રૂપાંતર : ભાર્ગવ ત્રિવેદી, દિગ્દર્શકઃ કર્તવ્ય શાહ

(3) એ…નથી – શિવમ ફાઉન્ડેશન-રાજકોટ, લેખક-શૈલેન્દ્ર વડનેરે, દિગ્દર્શક-ચેતન ટાંક

(4) મીંડી કોટ – જયઘોષ થિયેટર – નવસારી, લેખક-દિગ્દર્શક ડૉ.દીપન ભટ્ટ 

 (5) નિમિત્ત કમ બૅક સુન – થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ, સુરત – લેખક – દિગ્દર્શક રિષિત ઝવેરી

 (6) શુભ મંગલ સાવધાન – ઍક્યૂરેટ પ્રોડક્શન, વડોદરા – લેખક યોગેશ સોમન, રૂપાંતર અને દિગ્દર્શન કિરણ પાટીલ 

 (7) પ્રેમની તા…તા…થૈયા – ઝેડ.એસ.ગ્રુપ, વડોદરા, દિગ્દર્શક – મોહસીન શેખ 

 (8) કુમારની અગાશી – સિલ્યુએટ થિયેટર, સુરત, લેખક – મધુ રાય, દિગ્દર્શક – દેવાંગ જાગીરદાર 

 (9) તું અને હું – અલ્ટીમા ઈવેન્ટ્સ, મુંબઈ, લેખિકા – યામિની પટેલ, દિગ્દર્શક – રાજુલ દીવાન 

 (10) અહમનું એન્કાઉન્ટર – ઉદય આર્ટ, નવસારી, લેખક – પ્રવીણ સોલંકી, દિગ્દર્શક – રૂમી બારીયા

નિર્ણાયકો (ડાબેથી જમણે): પ્રા.સોનલ વૈદ્ય કુલકર્ણી (સુરત), જીતેન્દ્ર ઠક્કર (અમદાવાદ)અને પ્રવીણ સોલંકી (મુંબઈ)











  • અહેવાલ અને તસવીરોઃ ફયસલ બકીલી