અમદાવાદઃ શહેરમાં જૂજ સ્થળોએ દેખાઈ બંધની અસર, પોલીસને સ્ટેન્ડ ટુના આદેશ

અમદાવાદઃ નાગરિકતા બિલ ને લઈને આજે અમદાવાદ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા સહિતના શહરોમાં CAA સામે બંધનું એલાન કરાયું હતું. ત્યારે અમદાવાદના કેટલાક જૂજ સ્થળોએ આ બંધની અસર જોવા મળી છે. અમદાવાદના ત્રણ દરવાજાના માર્કેટ પાસે વેપારીઓએ સ્વંયભૂ બંધ પાડ્યો છે. ત્યારે બંધના પગલે અમદાવાદ પોલીસ સતર્ક બની છે. અમદાવાદ પોલીસના તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ કર્મચારીઓને સવારે 7 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપી દેવાયા હતા. તો સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ કરવાના આદેશ અપાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચને પણ સ્ટેન્ડ ટુના આદેશ અપાયા છે. 

છેલ્લાં ત્રણ દિવસથી થઈ રહેલા વિરોધને પગલે અમદાવાદની એક સ્વૈચ્છિક સંગઠન દ્વારા 19 ડિસેમ્બરે અમદાવાદ બંધનુ એલાન આપ્યું હતું. જેને કેટલાક સંગઠનોએ ટેકો આપ્યો હતો. શાહી જામા મસ્જિદના પેશ ઈમામ સહિતના આગેવાનોએ આ મામલે શહેરમાં શાંતિ જાળવવા અપીલ કરી છે.

અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયા મારફતે લોકોને ખાસ મેસેજ આપ્યો છે. જેમાં લખ્યું છે કે, પોલીસ દ્વારા આજે રેલી/પ્રદર્શન માટે મંજૂરી અપાઈ નથી. નાગરિકોને કાયદાનું પાલન કરવા અને શહેરમાં શાંતિ જાળવવા વિનંતી છે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ બળજબરી પૂર્વક દુકાનો બંધ કરાવવા પ્રયત્ન કરે, તો 100 ડાયલ કરી જાણ કરો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]