મુંબઈઃ દુનિયાભરમાં છેલ્લા 11 મહિનાઓથી હાહાકાર મચાવનાર ભયાનક મહાબીમારી કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે હજી સુધી કોઈ દવા ઉપલબ્ધ થઈ નથી. પરંતુ કોરોનાનો અંત લાવવા માટે ઘણા દેશોમાં અનેક વિજ્ઞાનીઓ, સંશોધકો, ફાર્માસ્યુટિકલ લેબોરેટરીઓ વિશેષ રસી બનાવવામાં વ્યસ્ત છે.
ભારત બાયોટેક કંપનીએ વિક્સાવેલી ‘કોવેક્સિન’ નામની કોરોના રસીને મહારાષ્ટ્ર રાજ્ય સરકારની એથિક કમિટીની પરવાનગી મળી છે. છેલ્લા અમુક દિવસોથી મુંબઈમાં મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કેઈએમ, નાયર હોસ્પિટલોમાં ભારત બાયોટેક કંપનીએ વિક્સાવેલી ‘કોવેક્સિન’ નામની કોરોના રસીની અજમાયશ (ટ્રાયલ) કરવામાં આવી રહી છે. ગઈ પાંચમી ડિસેમ્બરથી સાયન હોસ્પિટલમાં પણ કોરોના રસીની અજમાયશ શરૂ કરવામાં આવી છે. એક તરફ કેઈએમ અને નાયર હોસ્પિટલોમાં કોવિશીલ્ડ કોરોના રસીનો અભ્યાસ ચાલુ છે ત્યારે બીજી બાજુ સાયન હોસ્પિટલમાં કોવેક્સિનની અજમાયશ શરૂ કરવામાં આવી છે. સાયન હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 1000 સ્વયંસેવકો પર આ રસીની અજમાયશ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં 15 સ્વયંસેવકોને રસી આપવામાં આવી ચૂકી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) સંસ્થાએ આખા દેશમાં કોવેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરી છે. મુુંબઈમાં આ માટે સાયન હોસ્પિટલની પસંદગી કરી છે.
આ રીતે આપવામાં આવે છે રસીઃ
- ભારત બાયોટેકની કોવેક્સિન રસી આપવામાં આવે છે
- રસી મૂકાવનાર સ્વયંસેવકને લગભગ અડધો કલાક સુધી હોસ્પિટલમાં આરામ કરવાનું કહેવામાં આવે છે
- એ સ્વયંસેવકની તબીબી સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવે છે
- જો એને કોઈ તકલીફ-આડઅસર ન થાય તો એને ઘેર મોકલી દેવામાં આવે છે
- સ્વયંસેવક ઘેર ગયા પછી પણ ડોક્ટરો દ્વારા એની તબીબી સ્થિતિ પર દેખરેખ રાખવામાં આવે છે.
