દુનિયાના શ્રેષ્ઠ શિક્ષક રણજીતસિંહ ડિસલેને કોરોના થયો

મુંબઈઃ મહારાષ્ટ્રના સોલાપુરની એક ગ્રામિણ શાળાના શિક્ષક અને ગ્લોબલ ટીચર ઈનામના વિજેતા રણજીતસિંહ ડિસલેને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે. એમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. એમણે કહ્યું છે કે એમના સંપર્કમાં આવેલા તમામ લોકોએ કોરોનાનું પરીક્ષણ કરાવી લેવું. 32 વર્ષીય ડિસલેએ ગઈ કાલે રાતે જાહેરાત કરી હતી કે પોતાનો અને એમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બે દિવસ પહેલાં ડિસલે મુંબઈ આવ્યા હતા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મુખ્ય પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ‘વર્ષા’ ખાતે ડિસલેનું સમ્માન કર્યું હતું તો, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજભવન ખાતે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે પોતાના નિવાસસ્થાન ‘કૃષ્ણ કુંજ’ ખાતે બહુમાન કર્યું હતું.

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાની યૂનેસ્કો સંસ્થા અને લંડનસ્થિત વાર્કી ફાઉન્ડેશને સ્થાપેલા ગ્લોબલ ટીચર પ્રાઈઝ પુરસ્કાર માટે આ વર્ષે સોલાપુરના પરિતેવાડી ગામની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક ડિસલેની પસંદગી કરવામાં આવી છે. QR કોડવાળા પાઠ્યપુસ્તકોના માધ્યમથી ગ્રામિણ શાળામાં બાળકીઓને ભણાવવાનો નવતર પ્રયોગ ડિસલેએ હાથ ધર્યો છે જે મહારાષ્ટ્ર રાજ્ય નહીં, પરંતુ સમગ્ર દેશમાં પ્રથમ છે. એ માટે તેમને સાત કરોડ રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવ્યું છે. આ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડિસલે ભારતના પહેલા જ શિક્ષક છે. એમણે 140 દેશોના 12 હજાર જેટલા શિક્ષકોને પાછળ રાખીને આ એવોર્ડ જીત્યો છે. એમણે જાહેરાત કરી છે કે પોતે 50 ટકા ઈનામી રકમ ફાઈનલ રાઉન્ડમાં એમની સાથે આવેલા 9 શિક્ષકો સાથે વહેંચી દેશે.