મુંબઈનાં રસ્તા બે-વર્ષમાં ખાડા-મુક્ત કરી દેવાશેઃ CM-શિંદે

મુંબઈઃ મુંબઈ મહાનગરના રહેવાસીઓ માટે આનંદના સમાચાર છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે આપણું શહેર આવતા બે વર્ષમાં ખાડા-મુક્ત રસ્તાઓવાળું બની જશે. શિંદેએ આ જાહેરાત મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ચોમાસાના વરસાદને કારણે ઠેરઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયા છે. એને કારણે અકસ્માતો સર્જાય છે અને રોજ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં યોજવાનું નિર્ધારિત છે જ્યારે 2024માં રાજ્ય વિધાનસભાની ચૂંટણી આવશે. શિંદેએ કહ્યું છે કે મુંબઈના બધાં નાળા તથા રસ્તાઓને બે વર્ષમાં સીમેન્ટ કોંક્રીટના બનાવવામાં આવશે. એને કારણે વરસાદનું પાણી આસાનીથી પસાર થઈને દરિયામાં વહ્યું જશે. ખાડાઓને અત્યાધુનિક ઈકો-પોલીમર ટેકનિકથી અને ઝડપથી સેટ થઈ જાય એવી સીમેન્ટથી ભરવામાં આવશે. રસ્તાઓ પરના પેવર-બ્લોક્સનો ઉપયોગ ખાડાઓ પૂરવામાં કરવામાં આવશે.