મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટેના નિયંત્રણોમાં થોડીક છૂટછાટ જાહેર કર્યા બાદ આજે સતત બીજા દિવસે શહેરના બંને રાષ્ટ્રીય ધોરીમાર્ગો (મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને મુંબઈ-થાણે-દિલ્હી ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે) પર ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકો પરેશાન થઈ ગયા છે. વાશી ટોલ નાકા ખાતે પણ આવી જ હાલત જોવા મળી રહી છે.
એક સિનિયર ટ્રાફિક પોલીસ અધિકારીએ કહ્યું કે દુકાનો તથા અન્ય પ્રવૃત્તિઓમાં થોડીક છૂટછાટ અપાતાં જ ઘણા વાહનચાલકો એમના ઘરની બહાર નીકળી પડ્યાં છે અને એને કારણે મોટા પાયે ટ્રાફિક જામ થાય છે. બંને હાઈવે પર હાલ નાકાબંધી પણ લાગુ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસો વાહનચાલકોની ચકાસણી કરવા માટે આધાર કાર્ડ ચેક કરી રહ્યા છે, એ જાણવા માટે કે તેઓ આવશ્યક સેવાઓના ક્ષેત્રવાળા છે કે રાજ્ય સરકારે ખુલ્લા મૂકવાની જાહેરાત કરી છે તેવા ક્ષેત્રોના છે.
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસર ચેકનાકા ખાતે, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ નજીકના આનંદનગર ટોલ નાકા પાસે ખૂબ ટ્રાફિક જામ થાય છે. ત્યાંથી પાસ થવામાં એક-એક કલાક લાગી જાય છે. બંને હાઈવે પર દક્ષિણ તરફના માર્ગ પર વાહનોનો વધારે ભરાવો થતો જોવા મળ્યો છે, કારણ કે પડોશના થાણે જિલ્લામાંથી ઘણા લોકો મુંબઈમાં કામ-ધંધે આવી રહ્યા છે.