મુંબઈઃ વરલીમાં રહેતા અને ગોરેગાંવ (પૂર્વ)ના દિંડોશી પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું પતંગનો માંજો ગળામાં ભરાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા બાદ શહેરના પોલીસ તંત્રએ ખતરનાક એવા ચાઈનીઝ માંજા વિરુદ્ધ જોરદાર કાર્યવાહી આદરી છે. ઓછામાં ઓછા પાંચ પોલીસ સ્ટેશનોએ ચાઈનીઝ માંજો વેચતા, એનો સંગ્રહ કરતા કે ઉપયોગ કરતી વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે. પતંગનો માંજો ગળામાં ભરાઈ જવાથી વ્યક્તિઓને ઈજા થવાની કે મૃત્યુ થવાની ઘટનાઓમાં તાજેતરના સમયમાં ઉછાળો આવ્યો છે.
દિંડોશી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સમીર જાધવ ગયા રવિવારે એમની મોટરસાઈકલ પર ઘેર પાછા ફરતા હતા ત્યારે સાંતાક્રુઝ (પૂર્વ)ના વિસ્તારમાં એમના ગળામાં પતંગનો માંજો ભરાઈ ગયો હતો. એને કારણે તેઓ બાઈક પરથી પડી ગયા હતા અને ગંભીર રીતે જખ્મી થયા હતા. ખેરવાડી (બાન્દ્રા પૂર્વ) પોલીસ સ્ટેશને તે ઘટનાનો સ્વયં કેસ નોંધ્યો છે અને જોખમી માંજાના વેચાણ અને ઉપયોગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીને ઉગ્ર બનાવી છે.
પોલીસે નાઈલોનના માંજા સાથે પતંગ ચગાવતા બે ભાઈઓને પકડ્યા છે. આ ઉપરાંત આ બંને જણને તે માંજો વેચરનાર વેપારીની પણ ધરપકડ કરી છે. ગોરેગાંવ (પશ્ચિમ)ના બાંગૂર નગર પોલીસ સ્ટેશને ચાઈનીઝ માંજાને વેચવાના ઈરાદા સાથે એનો સંગ્રહ કરનાર એક શખ્સની ધરપકડ કરી છે. દિંડોશી પોલીસ સ્ટેશને 19 વર્ષના એક યુવક સામે ગુનો નોંધ્યો છે, એવી જ રીતે, મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારની પોલીસે 36-વર્ષના એક પુરુષની અને સહાર (અંધેરી પૂર્વ) પોલીસ સ્ટેશને 70 વર્ષના એક જણની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ પર પોલીસે ભારતીય ફોજદારી કાયદાની કલમ 336 હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે કહ્યું છે કે મકર સંક્રાંતિ તહેવારને લીધે જાન્યુઆરીના પહેલા અઠવાડિયાથી પતંગ ચગાવવાનું વધશે. તે સાથે જ પોલીસતંત્ર ચાઈનીઝ માંજો વેચનારાઓ વિરુદ્ધ પોતાની કાર્યવાહીને કડક બનાવશે.