મુંબઈઃ શહેરમાં વીતેલી રાતમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. તે આજે સવારે પણ ચાલુ રહેતાં અનેક નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયાં છે. લોકલ ટ્રેન સેવાને માઠી અસર પડી છે. પશ્ચિમ રેલવેથી આપવામાં આવેલી માહિતી મુજબ, આજે સવારે પાલઘર જિલ્લાના વિરારમાં રેલવેની એક લાઈન બંધ હતી. એને કારણે લોકલ ટ્રેનો અડધો કલાક જેટલી મોડી પડી હતી. કેટલીક ટ્રેનોને રદ પણ કરવી પડી હતી. મધ્ય રેલવેના ટ્વીટ અનુસાર, મેઈન લાઈન, હાર્બર અને ટ્રાન્સ-હાર્બર લાઈનો ઉપર ટ્રેન સેવા રાબેતા મુજબ છે.
ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ ઘોષિત કરીને આગાહી કરી છે કે આજે શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વરસાદ આવતીકાલ સુધી ચાલુ રહેશે. આનું કારણ એ છે કે ચોમાસાની પરિસ્થિતિ અનુકૂળ બનતાં આ વરસાદ પડી રહ્યો છે. આજે અને આવતીકાલે મુંબઈ ઉપરાંત નવી મુંબઈ, થાણે, પાલઘર, રાયગડ, પુણેના ઘાટ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.