પ્લાસ્ટિકના બોક્સ-ડબ્બા-થેલીમાં ખાદ્યપદાર્થો આપવાનું બંધ

મુંબઈઃ મહાનગરપાલિકાએ સિંગલ-યૂઝ પ્લાસ્ટિક પર મૂકેલા પ્રતિબંધમાં હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા ટેકઅવે પાર્સલ્સમાં વપરાતા પ્લાસ્ટિકને પણ ટાર્ગેટ બનાવ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓ અને સિંગલ-યૂઝ પ્લાસ્ટિકના પ્રોડક્ટ્સનો વપરાશ કરતી દુકાનો અને રેસ્ટોરન્ટ્સ સામે પગલાં લીધાં બાદ મહાનગરપાલિકાએ હવે નક્કી કર્યું છે કે ટેકઅવે-સેવા પ્રથા હેઠળ પ્લાસ્ટિકના ડબ્બાઓ અને થેલીઓમાં ખાદ્યપદાર્થો ડિલીવર કરતી હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે પણ પગલાં લેવા.

મહાપાલિકાના અધિકારીઓએ આ વિશે ઈન્ડિયન હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન (AAHAR) તથા અન્ય હોટેલમાલિક સંગઠનો સાથે 22 ઓગસ્ટે એક બેઠક બોલાવી છે, જેમાં એમને જણાવાશે કે પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને તબક્કાવાર બંધ કરી દેવો. મહાપાલિકાએ હાલ દુકાનો, ફેરિયાઓ અને શોપિંગ મોલ્સ પર તેનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, પરંતુ હવે તે હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ સામે પણ કડક થવાની છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજોગ કાબરેનું કહેવું છે કે હોટેલ-રેસ્ટોરન્ટ માલિકોને અમારું સૂચન છે કે તેઓ પ્લાસ્ટિકના ડબ્બા અને થેલીઓને બદલે સ્ટીલના બોક્સ કે અન્ય પર્યાવરણ અનુકૂૂળ પેકેજિંગ ઉત્પાદનો વાપરે, જેનો અનેક વાર ફરીથી ઉપયોગ કરી શકાય. હાલને તબક્કે પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી એની અમને જાણ છે, પરંતુ એનો મતલબ એ નથી કે ત્યાંસુધી હોટેલ-રેસ્ટોરન્ટ્સને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા દેવું અને એમની સામે કોઈ પગલાં ન લેવા.

મહારાષ્ટ્ર સરકારે 2018ની સાલથી 50 માઈક્રોનથી ઓછી ઘનતાવાળા પ્લાસ્ટિકના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે એવી પ્લાસ્ટિકની થેલીઓ અને ચીજવસ્તુઓના ભરાવાને કારણે જ 2005ની 26 જુલાઈએ વરસાદનું પાણી નાળાઓ વાટે દરિયામાં વહેતું અટકી ગયું હતું અને શહેરમાં ભયાનક પૂર આવ્યું હતું.