શંકાસ્પદ બોટ ઘટનામાં આંતકવાદી દ્રષ્ટિકોણને ફડણવીસનો નકાર

મુંબઈઃ અહીંથી આશરે 200 કિ.મી. દૂર આવેલા રાયગડ જિલ્લાના હરિહરેશ્વર બીચ નજીક આજે એક શંકાસ્પદ સ્પીડબોટ નધણિયાતી હાલતમાં મળી આવ્યાની ઘટના અંગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું કે આ બોટ એક ઓસ્ટ્રેલિયન મહિલા નાગરિકની માલિકની છે. અરબી સમુદ્રમાં ભરતી હોવાને કારણે બોટ દરિયાકાંઠા તરફ ખેંચાઈ આવી હતી. આ ઘટનાને આતંકવાદી એન્ગલ હોવાને કોઈ સમર્થન મળ્યું નથી. તે છતાં કોઈ સંભાવનાને નકારી શકાય નહીં,અને તમામ પાસાં પર તપાસ ચાલુ છે. પોલીસતંત્રને હાઈ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યું છે.

રાયગડ જિલ્લાના શ્રીવર્ધન વિસ્તારના હરિહરેશ્વર સમુદ્રકાંઠા પર આજે એક અજાણી બોટ મળી આવી હતી. એમાંથી ત્રણ એકે-47 રાઈફલો તથા અન્ય હથિયારો અને કારતૂસોનો જથ્થો મળી આવ્યો હતો. તે ઉપરાંત ભરડખોલ સમુદ્રકાંઠા નજીક એક નધણિયાતી લાઈફબોટ મળી આવી હતી. એમાં એક લાઈફજેકેટ તથા વાંધાજનક સામગ્રીઓ હતી. બંને બોટમાં કોઈ વ્યક્તિ નહોતી. પોલીસોએ શસ્ત્રો તથા સામગ્રીને કબજામાં લીધા છે. સત્તાવાળાઓએ મહારાષ્ટ્રના સમગ્ર કાંઠા પટ્ટાવિસ્તારમાં રેડ એલર્ટ ઘોષિત કરી દીધું છે.

હરિહરેશ્વર બીચ મુંબઈથી આશરે 200 કિ.મી. અને પુણે શહેરથી 170 કિ.મી. દૂર આવેલો છે. રાજ્ય સરકાર, સ્થાનિક પોલીસ તથા કેન્દ્રીય તપાસ એજન્સીઓના અધિકારીઓ આ બંને ઘટના અંગે તપાસ કરી રહ્યા છે. એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડના અધિકારીઓ પણ તપાસમાં જોડાયા છે. એવી શંકા છે કે અરબી સમુદ્રના મોજાં તોફાની બની જતાં બોટ ખેંચાઈને હરિહરેશ્વર બીચ નજીક આવી ગઈ હશે. બાદમાં સ્થાનિક લોકોની મદદથી બોટને કાંઠા પર લાવવામાં આવી હતી.

એવી શંકા ગઈ છે કે મુંબઈ પર ફરી હુમલો કરવાનું કોઈક કાવતરું ઘડાયું હતું, પરંતુ તે નિષ્ફળ ગયું છે.

2008ની 26 નવેમ્બરે પાકિસ્તાનમાંથી 10 ત્રાસવાદીઓ સમુદ્રમાર્ગે મુંબઈમાં ઘૂસ્યા હતા અને ઘણા સ્થળે બોમ્બ વિસ્ફોટો કર્યા હતા અને બેફામ ગોળીબાર કર્યા હતા. એ હુમલાઓમાં અનેક વિદેશી નાગરિકો સહિત 250થી વધારે લોકો માર્યા ગયા હતા. એ પહેલાં 1993ની 12 માર્ચે મુંબઈમાં શેરબજાર બિલ્ડિંગ સહિત અનેક સ્થળે આતંકવાદીઓ દ્વારા બોમ્બવિસ્ફોટ કરવામાં આવ્યા હતા.