મહિલાઓ માટેનાં કામોને વેગ આપવાની જરૂરઃ RSS

નાગપુરઃ સંઘપ્રમુખ મોહન ભાગવતે કહ્યું હતું કે મહિલાઓ માટે કરવામાં આવી રહેલાં કામોને વધુ ઝડપથી પૂરાં કરવા જોઈએ. દેશમાં અડધી વસતિ -50 ટકા મહિલાઓની છે. બધા લોકો કહે છે કે કામ થવું જોઈએ, પણ એ થશે કેવી રીતે?  વ્યવસ્થામાં સમયાંતરે કેટલાક ફેરફાર કરવા જોઈએ. એ કામોમાં ઝડપ વધારવાની જરૂર છે, એમ તેમણે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું. અનામત કેટલા ટકા હોવું જોઈએ? 30 ટકા અનામત હોવી જોઈએ કે નહીં હોવી જોઈએ- એ વાત લઈને વાદવિવાદ ચાલતા રહે છે, પણ ધીમે-ધીમે બધું થઈ રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

આ પહેલાં સંઘપ્રમુખ નવ ઓગસ્ટે નાગપુરમાં મરાઠી સાહિત્યની સંસ્થા વિદર્ભ સાહિત્ય સંઘના શતાબ્દી કાર્યક્રમમાં પણ તેઓ ગયા હતા. ત્યાં તેમણે કહ્યું હતું કે એક સંગઠન, એક પાર્ટી, એક નેતા બદલાવ ના લાવી શકે. તેઓ આવું કરવામાં માત્ર મદદ કરી શકે, પણ પરિવર્તન ત્યારે થાય- જ્યારે સામાન્ય વ્યક્તિ તેના માટે ઊભી હોય. દેશ સ્વતંત્રતા સંગ્રામ 1857 પહેલાં શરૂ થયો હતો, પણ એ ત્યારે સફળ થયો, જ્યારે લોકો જાગરુક બન્યા અને રસ્તા પર ઊતર્યા હતા, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે દરેક જણ જેલ નહોતું ગયું. કેટલાક લોકો એનાથી દૂર રહ્યા હતા, પણ મનમાં એ દેશદાઝ હતી, જેથી દેશ આઝાદ થયો. તેમણે કહ્યું હતું કે નેતા સમાજ નથી બનાવતા, પણ સમાજ નેતા બનાવે છે. RSS ઇચ્છે છે કે હિન્દુ સમાજ જવાબદારી નિભાવવા સક્ષમ થાય, RSS સમાજને સંગઠિત કરી રહ્યો છે, એમ તેમણે કહ્યું હતું.