મુંબઈઃ 2016ની સાલમાં બનેલી એક ઘટનાને લગતા કેસમાં અદાલતે હાલમાં ચુકાદો આપીને એ મહત્ત્વ પર ભાર મૂક્યો છે કે કોઈ વ્યક્તિ ગમે તેટલા ઉંચા પદ પર હોય, એણે સરકારી નોકરો સાથે આદરપૂર્વક વાત કરવી જોઈએ. આ કેસ મુંબઈનો છે, જેમાં રિશીકુમાર સિંઘ નામના એક વરિષ્ઠ આવકવેરા અધિકારીને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન પર સુજિતકુમાર ગુપ્તા નામના એક ટિકિટ ચેકર પર હુમલો કરવા બદલ 6 મહિનાની જેલની સજા કરવામાં આવી છે અને રૂ. એક લાખની રકમનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
બનાવની વિગત એવી છે કે, 2016ના ઓક્ટોબરમાં સીએસટી સ્ટેશન પર ટીસી ગુપ્તાએ ટિકિટ બતાવવા માટે અટકાવ્યા બાદ રિશીકુમાર સિંઘ ભડકી ગયા હતા. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. સિંઘે પોતાની ઓળખ સહાયક ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે આપી હતી અને મામલો બીચકી જતાં એમણે ગુપ્તાની મારપીટ કરી હતી. પરંતુ રેલવે પોલીસે સિંઘની ધરપકડ કરી હતી અને એમની સામે આઈપીસીની કલમ 353, 332 અને 323 અંતર્ગત ગુનો નોંધ્યો હતો. બાદમાં સિંઘને એક સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. સેશન્સ જજ ડો. સ્વપ્નિલ તૌશિકરે સિંઘને અપરાધી જાહેર કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે એ ગુપ્તાને વળતરપેટે રૂ. 50,000નો દંડ ચૂકવે. સિંઘ પૂરેપૂરી રકમનો દંડ ચૂકવીને જામીન પર છૂટી ગયા હતા અને સેશન્સ જજના ચુકાદાને ઉપલી કોર્ટમાં પડકારવાનો વિકલ્પ જાળવી રાખ્યો હતો.