યોગા એ વિશ્વને માનવ કલ્યાણ માટેની અમૂલ્ય ભેટઃ દ્રૌપદી મુર્મુ

લોનાવલાઃ યોગા એ ભારત તરફથી વિશ્વને અપાયેલી એક અમૂલ્ય ભેટ છે, જે વિશ્વ અને માનવજાતના સ્વાસ્થય માટે કલ્યાણકારી અને આશીર્વાદરૂપ છે. ૨૦૧૫થી અનેક દેશોમાં યોગા દિનની ઉજવણી થાય છે, યુનાઇટેડ નેશન (UN) દ્વારા પણ યોગાને માનવજગતની હેલ્થ માટે ઉપયોગી અને પવિત્ર માર્ગ ગણાવવામાં આવ્યો છે. આ માર્ગને આપણે સ્કૂલોના વિદ્યાર્થીઓ સુધી લઈ જઈ નવી પેઢીને તેનો લાભ ઉપલબ્ધ બનાવી શકીએ છીએ, આ હેતુથી સરકારે નવી એજયુકેશન પોલિસી-૨૦૨૦માં યોગાને સ્થાન આપ્યું છે.

આ શબ્દો દેશનાં પ્રેસિડન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુના છે, મહારાષ્ટ્રના પુણે નજીક લોનાવાલા સ્થિત સુપ્રસિદ્ધ કૈવલ્યધામ હાલ તેના શતાબ્દી વરસની ઉજવણી કરી રહ્યું છે, આ ઉજવણીના ભાગરૂપ કૈવલ્યધામે સ્કૂલ્સમાં યોગાના શિક્ષણ વિશે તાજેતરમાં યોજેલા રાષ્ટ્રીય પરિષદનું ભારતનાં પ્રેસિડન્ટ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉદઘાટન કર્યુ હતું. કૈવલ્યધામ યોગા અંગેના સંશોધન, શિક્ષણ અને પદ્ધતિઓ-પ્રયોગો માટે જાણીતું છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર રમેશ બઈસની પણ વિશેષ હાજરી રહી હતી.

આ પ્રસંગે પ્રેસિડન્ટે વધુમાં કહ્યું હતું કે યોગા એ દરેક વ્યકિતના ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ માર્ગમાં સહયોગી બનીને મહત્વની ભૂમિકા ભજવી શકે છે.  આ પ્રોસેસમાં વૈજ્ઞાનિક અભિગમ પણ સમાઈ જાય છે. પ્રેસિડન્ટે કૈવલ્યધામ દ્રારા ચલાવાતી સ્કૂલ કૈવલ્ય વિધા નિકેતનની પ્રવૃતિઓને બિરદાવી હતી, તેમણે કૈવલ્યધામના આ વિષયમાં થઈ રહેલા પ્રયાસોમાં વિશ્વાસ વ્યકત કર્યો હતો.