ચોમાસામાં રેલવેનાં પાટા પર પાણી નહીં ભરાયઃ મધ્ય રેલવેનો દાવો

મુંબઈ – આ વર્ષે ચોમાસામાં ભલે ધોધમાર વરસાદ પડે, પણ રેલવેના પાટા પર પાણી નહીં ભરાય એવો વિશ્વાસ મધ્ય રેલવેના સત્તાવાળાઓ વ્યક્ત કર્યો છે.

મુંબઈમાં દર વર્ષે લગભગ 100 ઈંચ જેટલો તડામાર વરસાદ પડતો હોય છે. એને કારણે પશ્ચિમ રેલવેની સરખામણીમાં મધ્ય રેલવે વિભાગ પર પાટાઓ પર પાણી ભરાવાની ઘટનાઓ વધારે બનતી હોય છે.

દર વર્ષે અમુક દિવસો તો એવા આવતા જ હોય છે કે ધોધમાર વરસાદ પડવાથી પાટા પાણી નીચે ડૂબી જાય અને એને કારણે લાંબા અંતરની તેમજ લોકલ ઉપનગરીય સેવાની ટ્રેનો અટકી જાય. પરિણામે ટ્રેનમુસાફરો હેરાન પરેશાન થઈ જાય.

રેલવે અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પનવેલ સ્ટેશનો વચ્ચે એવા 76 સ્થળો શોધી કાઢ્યા છે જ્યાં વરસાદનું પાણી પાટા પર ખાસ ભરાતું હોય છે.

રેલવે સત્તાધીશોએ એમાંના 50 લોકેશન્સ પર કામકાજ પૂરું કરી લીધું છે અને એમને આશા છે કે બાકીના લોકેશન્સ ઉપર પણ 20 એપ્રિલ સુધીમાં કામકાજ પૂરું કરી શકાશે.

રેલવે અધિકારીઓએ ચોમાસાની મોસમમાં પાટા પર પાણી ભરાવાની સમસ્યા અંગે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

સીએસએમટી અને પનવેલ વચ્ચેના રૂટ પર 15 નાળાઓ પણ આવે છે જે એવા મોટા ડ્રેનેજ સિસ્ટમના છે જે પાણીના પ્રવાહને રેલવે લાઈનમાંથી પૂર્વ બાજુએથી પશ્ચિમ બાજુએ લઈ જાય છે. આ નાળાઓને ઠીક કરવાનું કામ પણ ચોમાસાના આરંભ પહેલા પૂરું કરવામાં આવશે.