મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકર ભૂતપૂર્વ નર્સ છે. આજે તેઓ મહાનગરપાલિકા સંચાલિત નાયર હોસ્પિટલમાં નર્સનો યુનિફોર્મ પહેરીને ગયાં હતાં અને ત્યાંની નર્સો સાથે વાતચીત કરી હતી તેમજ કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં મદદરૂપ પણ થયાં હતાં.
મુંબઈનાં મેયરે આમ 19 વર્ષે ફરી નર્સનો ગણવેશ પહેર્યો હતો.
કિશોરી પેડણેકરને અને એમાંય નર્સનાં ગણવેશમાં જોઈને હોસ્પિટલનાં કર્મચારીઓને સુખદ અનુભવ થયો હતો.
મેયર પેડણેકરે હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપી, દેખભાળ કરીને કોરોના વાઈરસ સામે લડતા સ્ટાફની પ્રશંસા કરી હતી.
મુંબઈના ધારાવી વિસ્તારમાં નવા 34 કેસ નોંધાયા
દરમિયાન, માત્ર દેશ નહીં, પણ સમગ્ર એશિયા ખંડની સૌથી મોટી ઝૂંપડપટ્ટી એવા ધારાવી વિસ્તારમાં આજે કોરોના વાઈરસના વધુ 34 કેસો નોંધાયા હતા. આ સાથે ધારાવીનો જ કોરોના કન્ફર્મ્ડ કેસનો આંકડો વધીને 275 થયો છે.
મહારાષ્ટ્રમાં આજે કોરોનાનાં નવા 440 કેસ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો આંકડો વધીને 8 હજારને પાર ગયો છે. આમાંના 1,188 દર્દીઓ સાજા થઈ જતાં એમને તેમના ઘેર મોકલી દેવામાં આવ્યા છે.