મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈમાં બે નવી મેટ્રો લાઈન – નંબર-2A અને નંબર-7ના ટ્રાયલ રન માટે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. મેટ્રો-7 લાઈન મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહિસર ઈસ્ટ-આરે (ગોરેગાંવ ઈસ્ટ) વચ્ચેની છે જ્યારે મેટ્રો-2A લાઈન પશ્ચિમ ભાગમાં લિન્ક રોડ પર દહાણુકરવાડી (કાંદિવલી વેસ્ટ)-દહિસર (ઈસ્ટ) વચ્ચેની છે. ટ્રાયલ-રન માટેની ટ્રેનને ઠાકરેએ કાંદિવલી (ઈસ્ટ)ના આકુર્લી મેટ્રો સ્ટેશનેથી લીલી ઝંડી બતાવી હતી.
આ બંને મેટ્રો લાઈન પર ટેસ્ટિંગ કામકાજનો સોમવારથી શુભારંભ કરવામાં આવ્યો છે. આ બંને મેટ્રો ટ્રેન ચારકોપ-દહિસર-આરે રૂટ પર દોડાવવામાં આવનાર છે. આ મેટ્રો લાઈનો આ વર્ષના ઓક્ટોબરમાં શરૂ થવાની ધારણા છે.
આ લાઈનો ચાલુ થશે તે પછી દરરોજ આશરે 9 લાખ જેટલા લોકો પ્રવાસ કરશે. અંધેરીથી દહિસર જવા માગતા પ્રવાસીઓને આ મેટ્રો સેવાનો લાભ મળશે. આ મેટ્રો ટ્રેન સેવા ઝડપી અને તે શરૂ થવાથી લોકલ ટ્રેન સેવા પરનો બોજ હળવો થશે. પ્રવાસીઓને નવો વિકલ્પ મળશે. સાથોસાથ, વેસ્ટર્ન હાઈવે પર ટ્રાફિક હળવો કરવામાં પણ આ મેટ્રો લાઈનો મદદરૂપ થશે.
આ બંને લાઈન પરની મેટ્રો ટ્રેન છ-છ ડબ્બાની હશે. એક ડબ્બો મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે. તે ઉપરાંત, અન્ય દરેક ડબ્બામાં પણ મહિલાઓ માટે ચાર-ચાર સીટ અનામત રાખવામાં આવશે. આ રૂટ પરની મેટ્રો ટ્રેનમાં પ્રવાસનું મિનિમમ ભાડું 10 રૂપિયા હશે જ્યારે લાંબા અંતર માટે 80 રૂપિયા હશે. મેટ્રો ટ્રેન સેવા પ્રદૂષણ-મુક્ત હોવાનો બીજો લાભ પણ પ્રવાસીઓને મળશે.
મેટ્રો 2A અને મેટ્રો-7 લાઈનો માટે કારશેડ (ટ્રેન યાર્ડ) હાલપૂરતું કાંદિવલી વેસ્ટના ચારકોપ વિસ્તારમાં રહેશે.
ઠાકરેએ સોમવારે મુંબઈ-અમદાવાદ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અન્ડરગ્રાઉન્ડ અને એલીવેટેડ (T1 અને T2) યોજનાઓનું ભૂમિપૂજન પણ કર્યું હતું. આ કાર્યક્રમોમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, તેમના અમુક સાથી પ્રધાનો તથા કેન્દ્રીય સામાજિક ન્યાય પ્રધાન રામદાસ આઠવલે, મુંબઈનાં મેયર કિશોરીતાઈ પેડણેકર પણ ઉપસ્થિત રહ્યા હતા.
બંને લાઈનને બે તબક્કામાં શરૂ કરવામાં આવનાર છે. મેટ્રો 2A લાઈન 17.5 કિ.મી.ની છે. દહાણુકરવાડીથી દહિસર (ઈસ્ટ) થઈને આરે સુધીના રૂટ પર 18 સ્ટેશન આવશે. બીજા તબક્કામાં આ રૂટને દહાણુકરવાડીથી અંધેરી (વેસ્ટ) ડી.એન. નગર સુધી લંબાવવામાં આવશે. સમગ્ર કોરિડોર જાન્યુઆરી-2022 સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. અંધેરી (વેસ્ટ) ડી.એન. નગરથી ઈન્ટરકનેક્ટિવિટી તરીકે વર્સોવા-અંધેરી-ઘાટકોપર મેટ્રો-1 લાઈન મળશે.
મેટ્રો-7 લાઈન (દહિસર ઈસ્ટથી અંધેરી ઈસ્ટ) 20 કિ.મી.ની છે. તેની પર 13 સ્ટેશન આવશે.
(તસવીરોઃ દીપક ધુરી)