મુંબઈઃ 56 વર્ષીય રાજેન શાહને કિડની ટ્રાન્સપ્લાન્ટની એમનાં ડોક્ટરોએ સલાહ આપી હતી. તે પછી રાજેનના માતાએ એમની એક કિડની દીકરાને દાનમાં આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ડોક્ટરોને માતા વિશે સંદેહ હતો, કારણ કે એ 81 વર્ષનાં હતાં. પરંતુ એક માતા તરીકે વૃદ્ધા એમનાં દીકરાને પોતાની એક કિડની દાનમાં આપવા મક્કમ હતાં. તેથી ડોક્ટરોએ માતાની જરૂરી તબીબી ટેસ્ટ કરી હતી અને માતાએ એમનાં દીકરાને પોતાની એક કિડની દાનમાં આપી હતી, એમ મિડ-ડે અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
નવી મુંબઈની એપોલો હોસ્પિટલનાં ડોક્ટરોના જણાવ્યા મુજબ, 81 વર્ષનાં માતા ભારતમાં સૌથી મોટી ઉંમરનાં જીવિત કિડની દાતા બન્યાં છે. ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન 2021ના અંતમાં કરવામાં આવ્યું હતું અને હાલ માતા અને પુત્ર, બંનેની તબિયત સારી છે.