મુંબઈની પડોશના પાલઘરમાં ધરતી ફરી ભૂકંપના હળવા આંચકાથી ધ્રૂજી

0
1291

મુંબઈ – પડોશના પાલઘર જિલ્લાના કેટલાક ભાગો આજે સવારે ધરતીકંપના હળવા આંચકાથી ધ્રૂજી ગયા હતા.

સવારે 10.44 વાગ્યે આંચકો લાગ્યો હતો. રીક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 3.1ની નોંધાઈ હતી.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ગયા નવેંબર મહિનાથી ધરતીકંપના આંચકા બનાવો બની રહ્યા છે.

સદ્દભાગ્યે આજે પણ ક્યાંય કોઈ જાનહાનિ થઈ નથી કે સંપત્તિને નુકસાન પણ પહોંચ્યું નથી.

ધરતીકંપનું કેન્દ્રબિંદુ ધુંડલવાડી ગામથી 10 કિ.મી. દૂર હોવાનું માલૂમ પડ્યું હતું. આ ગામમાં આશરે 3 હજાર લોકોની વસ્તી છે.

ગઈ 7 ફેબ્રુઆરીએ પણ પાલઘરમાં ધરતીકંપનો આંચકો આવ્યો હતો.

ગઈ 1 ફેબ્રુઆરીએ પાલઘરના દહાણુ અને તલાસરી તાલુકાઓમાં ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. એની તીવ્રતા 3 થી 3.5ની હતી.

એ દિવસે એક ગામનાં લોકોએ ગભરાઈને નાસભાગ કરી હતી અને બે વર્ષની એક બાળકી પડી જતાં અને એને માથામાં ઈજા થતાં એનું બાદમાં મૃત્યુ નિપજ્યું હતું.

ધરતીકંપની આફત વખતે સાવચેતીના કેવા પગલાં લેવા એ વિશે પાલઘર જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ દહાણુ તાલુકાના કેટલાક ગામોમાં રોજ જનજાગૃતિ કાર્યક્રમો યોજી રહ્યા છે.