મુંબઈઃ મુંબઈગરાંઓને રાહત અને આનંદ થાય એવા સમાચાર છે કે શહેરને પાણીપુરવઠો પૂરો પાડતા બે સરોવર – તાનસા અને મોડકસાગર છેલ્લા કેટલાક દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદને કારણે છલકાઈ ગયા છે. આજે સવારથી જ એ છલકાવાનું શરૂ થયું હતું. એને કારણે મોડકસાગર લેકના બે અને તાનસા લેકનો એક દરવાજો ખોલી દેવો પડ્યો હતો. પરંતુ એને કારણે એનું વધારાનું પાણી મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભિવંડી તથા કલ્યાણ શહેરોના કેટલાક ભાગોમાં ફરી વળ્યું હતું. પરિણામે ત્યાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
મોડકસાગર લેક આજે વહેલી સવારે 3.24 વાગ્યે અને તાનસા સવારે 5.48 વાગ્યે છલકાવાનું શરૂ થયું હતું. આ બંને સરોવરમાંથી મુંબઈને દરરોજ આશરે 9 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. આ પહેલાં મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રની અંદર આવેલું તુલસી જળાશય ગઈ 16 જુલાઈએ અને વિહાર તળાવ 18 જુલાઈએ છલકાઈ ગયું હતું. આમ, મુંબઈને પાણી પૂરું પાડતા સાતમાંના ચાર જળાશય છલકાઈ ગયા છે. સાતેય તળાવોમાં તુલસી સૌથી નાનું છે.