માના પટેલને સાજી કરી ટોક્યો ઓલિમ્પિક્સમાં ઝૂકાવવા સજ્જ બનાવી રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલે

મુંબઈ, 21 જુલાઈ: ટોક્યો ઓલિમ્પિક્સમાં 130 કરોડ ભારતીયોની નજર એકમાત્ર મહિલા અને ગરવી ગુજરાતી સ્વીમર માના પટેલ પર રહેશે. અમદાવાદની 21 વર્ષની બેકસ્ટ્રોક ચેમ્પિયન માના ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં ઇતિહાસ રચવા જઈ રહી છે.

જોકે, માના માટે તેની ખભાની ઈજા જરાય આસાન નહોતી. વર્ષ 2016માં તેને આ ઈજા થઈ હતી અને તેના કારણે તેની કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ હતી. તબીબી ભાષામાં માનાની ઈજાને “સુપિરિયર લેબ્રલ ટિયર એક્સટેન્ડિંગ ફ્રોમ એન્ટેરિયર્લી 11 ઓ ક્લોક એન્ડ અપ ટુ 2 ઓ ક્લોક પોસ્ટેરિયર્લી” કહેવાય છે.

તેનો દુઃખાવો એકદમ તીવ્ર હતો અને સર્જનોએ તેને ત્રણ મહિના સ્વીમિંગ પૂલથી દૂર રહેવાની સલાહ આપી હતી, તેના કારણે માના ખૂબ જ વ્યથિત થઈ ગઈ હતી. પરિણામે તે આ રમતને તિલાંજલિ આપવાના વિચારો સુધી પહોંચી ગઈ હતી, તેનું વજન ઘટી રહ્યું હતું અને કેટલાક દિવસો તો એવા પણ હતા કે જ્યારે નિરાશામાંથી બહાર આવવા માટે તેને કોઈ વૈચારિક પ્રોત્સાહન જડતું નહોતું.

આવા કપરા સમયમાં મુંબઈ સ્થિત સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ માના માટે પોતાનું બીજું ઘર પુરવાર થયું હતું. અહીંના સ્પોર્ટ્સ સાયન્સ અને મેડિસિન ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ હીથ મેથ્યુસ તથા તેમના સાથીદારો ચંદન પોદ્દાર અને શ્રુતિ મહેતા તથા કંડિશનિંગ ટ્રેનર અખિલ મહેતાની મદદથી સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્ટિપલમાં માનાને તેની આ સમસ્યામાંથી છુટકારો મેળવવાનો માર્ગ મળ્યો હતો.

અહીં લાંબી અને ખાસ તેના માટે તૈયાર કરવામાં આવેલી થેરાપી, મસાજ, એક્સરસાઇઝ, ડ્રાય નિડલિંગ અને ટેપિંગ સારવાર લેવા માટે અહીં કલાકો વિતાવ્યા હતા. અહીંનો સ્ટાફ એ વાતથી સુપેરે પરિચિત હતો કે તેમણે કેવો મુશ્કેલ લક્ષ્યાંક હાંસલ કરવાનો છે. જો તેમની આ સારવાર નિષ્ફળ જાય તો માનાએ સર્જરીનો સામનો કરવાનો આવશે અને તેમાંથી બહાર આવી ફરી તે સ્વીમિંગ પૂલમાં ઉતરે એ વાત છથી નવ મહિના પાછળ ઠેલાઈ જાય.

“શરૂઆતની સારવાર ખૂબ જ પીડાદાયક હતી અને તેને બતાવવામાં આવનારી કસરત કરતી વખતે ખૂબ જ મુશ્કેલી અનુભવાતી હતી, આ કસરત કરતી વખતે તેને ખૂબ જ દુઃખાવો પણ થતો હતો,” સ્પોર્ટ્સ મેડિસિન અને રેહાબિલિટેશનના ડેપ્યૂટી કન્સલ્ટન્ટ ડો. પોદ્દારે યાદો તાજી કરતાં કહ્યું હતું. “જોકે, આ તબક્કો પસાર કરવા માટે તે મક્કમ હતી. તેની માતાએ પણ આ તબક્કો પસાર કરવામાં, ખાસ કરીને મક્કમ રહેવાની પ્રેરણા પૂરી પાડી, ઈજાઓ પર કાબૂ મેળવી ફરી પૂલમાં ઉતરવા માટે પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની માતા પણ માના માટે મજબૂત ટેકો બની રહ્યા હતા. દરરોજ તેની સાથે હોસ્પિટલ આવતાં હતાં અને કલાકો સુધી તેની કસરતના સેશન્સને ધ્યાનથી જોતાં હતાં.”

“રેહાબિલિટેશનના છેલ્લા તબક્કામાં માનસિક રીતે સ્થિરતા અને ઊર્જાની તેને જરૂર હતી,” તેમ ડો. પોદ્દારે કહ્યું હતું. અખિલ સાથે તેના સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ સેશન્સ શરૂ થયા ત્યારે તે ખૂબ જ પાતળી હતી. જોકે એ પછીના 6થી 8 અઠવાડિયામાં તેની શારીરિક ક્ષમતાઓમાં આવેલા ફેરફારો અનેક ગણાં વધ્યાં હતાં. બોક્સ જમ્પિંગમાં તે વધુ ને વધુ ઉપર સુધી કુદકો લગાવી શકતી હતી અને બોડી વેઇટ સ્ક્વોટ્સથી વેઇટેડ જેકેટ વર્ક સુધી તેની પ્રગતિ થઈ હતી, તેમ ડો. પોદ્દારે જણાવ્યું હતું.

માના જ્યારે રેહાબ, સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ પર કામ કરી રહી હતી ત્યારે હોસ્પિટલનો સ્ટાફ તેના કોચ પીટર કેસવેલ સાથે પણ ગાઢ સંપર્કમાં હતો. કોચ કેસવેલ અને તેના ઓર્થોપેડિક સર્જન દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીને ધ્યાનમાં રાખીને એક હોલિસ્ટિક ઇન્જરી મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેની મદદથી માના ક્રમશઃ ફરી એકવાર પૂલમાં ઉતરી શકે તે માટે તૈયાર થઈ હતી. રોજના થેરાપી સેશન્સને કારણે જકડાઈ ગયેલા તેના મસલ્સ પુનઃ અનુકૂળ સ્થિતિમાં આવ્યા અને લોઅર બોડી સ્ટ્રેન્થ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેટલો સમય સ્વીમિંગ પૂલથી દૂર રહી તે દરમિયાન માનાએ તેની આ ખાસ ક્ષમતાને વિકસાવવા પર ધ્યાન આપ્યું.

ટોક્યો જતાં પહેલા માનાએ મીડિયાને કહ્યું હતું કે, “ઓલિમ્પિક્સમાં ઉતરવા મળ્યાની લાગણીઓ ખરેખર અદ્દભૂત છે.” અન્ય બાળકોની જેમ જ માના પણ ટીવી પર જોઈને અને ઓલિમ્પિક્સ વિશે વાંચીને મોટી થઈ છે. “હવે તમે એક ખેલાડી, એક સ્પર્ધક તરીકે અને તમારા દેશનું વિશ્વ સ્તરે પ્રતિનિધિત્વ કરો છો. કોઈ સપનું સાકાર થયું એવું લાગે છે,” તેમ માનાએ ઉમેર્યું હતું.