‘બાઈજૂસ’એ 50 કરોડ ડોલરમાં અમેરિકાની એપિકને ખરીદી

બેંગલુરુઃ ભારતના સૌથી મોટા ઓનલાઈન (હોમ બેઝ્ડ વિડિયો) લર્નિંગ (ભણતર) પ્લેટફોર્મ Byju’s (બાઈજૂસ)એ અમેરિકાસ્થિત વિશ્વપ્રસિદ્ધ ડિજિટલ રીડિંગ (વાચન) પ્લેટફોર્મ Epic ને 50 કરોડ ડોલર (આશરે રૂ. 3,729 કરોડ)માં ખરીદી લીધી છે. એપિક કંપની 12 વર્ષ અને તેથી નાની વયનાં બાળકો માટેનું રીડિંગ પ્લેટફોર્મ છે. એપિક બાળકોને વાંચતા અને ભણવામાં મદદરૂપ થતું ડિજિટલ પ્લેટફોર્મ છે. આ સોદા દ્વારા બાઈજૂસનું લક્ષ્ય અમેરિકાની બજારોમાં પોતાનો વિસ્તાર કરવાનો છે. બાઈજૂસએ આ જ વર્ષના આરંભમાં જાણીતા કોચિંગ નેટવર્ક આકાશ ઈન્સ્ટિટ્યૂટને એક અબજ ડોલરમાં ખરીદી હતી. CB ઈનસાઈટ્સ ડેટા અનુસાર, 2021ના જૂન મહિનામાં બાઈજૂસ દુનિયામાં 11મા નંબરની સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ-અપ કંપની હતી. હાલ એના પ્લેટફોર્મ પર 10 કરોડથી વધારે વિદ્યાર્થીઓ છે.

એપિકના દુનિયાભરમાં લાખો યૂઝર્સ છે જેમાં 20 લાખથી વધારે શિક્ષકો અને પાંચ કરોડથી વધારે બાળકો છે. આ સોદો થયો હોવા છતાં એપિકના સીઈઓ સુરેન માર્કોસિયન અને સહ-સંસ્થાપક કેવિન ડોનહ્યૂ એમના પદ પર અગાઉની જેમ જ કામ કરશે. બાઈજૂસના સંસ્થાપક અને સીઈઓ બાઈજૂ રવીન્દ્રને કહ્યું છે કે એપિક સાથે અમારી ભાગીદારી અમને વૈશ્વિક સ્તર પર બાળકો માટે આકર્ષક અને રૂચિપ્રદ ભણતર અને શીખવાના અનુભવને સાકાર કરાવવામાં મદદરૂપ થશે. કંપની એ માટે ઉત્તર અમેરિકામાં 1 અબજ ડોલર ઈન્વેસ્ટ કરવાની છે. બાઈજૂસે 2019માં અમેરિકાની જાણીતી શૈક્ષણિક રમકડાં બનાવનારી કંપની ઓસ્મોને 12 કરોડ ડોલરમાં ખરીદી હતી. એપિક સાથે એના સોદાને અનેક નામાંકિત ઈન્વેસ્ટરોએ ટેકો-સમર્થન જાહેર કર્યા છે.