મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ અત્યંત ઘટી જતાં રાજ્ય સરકારે બીજી એપ્રિલથી રાજ્યમાં તમામ પ્રકારના કોવિડ-19 નિયંત્રણો હટાવી લેવાનો નિર્ણય લીધો છે. જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું હવે ફરજિયાત નહીં, પરંતુ સ્વૈચ્છિક કરી દેવામાં આવ્યું છે. શનિવાર, બીજી એપ્રિલે ગુડી પાડવા તહેવાર છે. મહારાષ્ટ્રમાં આ તહેવારનું ખૂબ મહત્ત્વ હોય છે. એ જ દિવસથી તમામ કોવિડ-19 નિયંત્રણોને હટાવી લેવામાં આવશે એવી રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આમ, માસ્કને વૈકલ્પિક બનાવી દેનાર મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય બન્યું છે. આજથી જ પોલીસતંત્ર અને મહાનગરપાલિકા તંત્ર નાગરિકોને માસ્ક ન પહેરવા બદલ દંડ નહીં ફટકારે. બે વર્ષથી માસ્ક પહેરીને જ ઘર કે ઓફિસ-દુકાનની બહાર નીકળતાં લોકોને માસ્ક-મુક્તિથી ઘણી રાહત થશે. નાગરિકોએ આ નિર્ણયને વધાવ્યો છે. પરંતુ, રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ લોકોને અપીલ અને ચેતવણીના સુરમાં કહ્યું છે કે રાજ્યને માસ્ક-મુક્ત કરાયું છે, પરંતુ તે હજી કોરોના-મુક્ત થયું નથી. તેથી લોકોએ બીમારીને રોકવા માટે સ્વેચ્છાએ માસ્કનો ઉપયોગ કરવો. મહારાષ્ટ્ર રાજ્યમાં આવતીકાલ, 1 એપ્રિલથી જાહેર સ્થળોએ મોઢા પર માસ્ક પહેરવાનો નિયમ ફરજિયાત નહીં રહે, પણ સ્વૈચ્છિક રહેશે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળ ગઈ કાલે અહીં મળેલી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં તમામ કોવિડ નિયંત્રણોને રાજ્યમાંથી હટાવી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે આ ઉપરાંત ગુડી પાડવા, રમઝાન અને બી.આર. આંબેડકર જન્મતિથિ ઉજવણી માટેના સરઘસો કાઢવા પર નાગરિકો મૂકેલા નિયંત્રણો પણ ઉઠાવી લીધા છે.