નવી મુંબઈમાં મરાઠા અનામત આંદોલન વખતે હિંસાખોરી કરનારાની ગોવામાંથી ધરપકડ

મુંબઈ – ગઈ 25 જુલાઈએ પડોશમાં આવેલા નવી મુંબઈ શહેરમાં મરાઠા અનામત આંદોલન વખતે થયેલી હિંસામાં સંડોવાયેલા 3 શખ્સની ગોવા પોલીસે આજે ધરપકડ કરી છે.

ગોવા પોલીસના અધિકારીઓએ કહ્યું કે, આ ત્રણેય વ્યક્તિ સામે નવી મુંબઈના કોપરખૈરણે પોલીસ સ્ટેશનમાં ભારતીય ફોજદારી ધારાની છ કલમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે.

નવી મુંબઈ પોલીસના ક્રાઈમ બ્રાન્ચ અધિકારીઓએ કરેલી વિનંતીના આધારે ત્રણેય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈ 25 જુલાઈએ નવી મુંબઈમાં મરાઠા અનામત આંદોલન હિંસક બન્યું હતું. એને લીધે 21 વર્ષના યુવાન રોહન તોડકરનું નિધન થયું હતું. એ છોકરા પર એક ટોળાએ હુમલો કર્યો હોવાનું કહેવાય છે.

ઈજાગ્રસ્ત તોડકરને મુંબઈના ભાયખલા સ્થિત સરકાર સંચાલિત જે.જે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં 27 જુલાઈએ એનું અવસાન નિપજ્યું હતું.

રમખાણો વખતે મૃત્યુ પામેલો રોહન તોડકર (ડાબે)

તોડકરના મોત બાદ એ જ્યાંનો રહેવાસી હતો એ કોપરખૈરણે ઉપનગરના પોલીસ સ્ટેશને હત્યાનો કેસ નોંધ્યો હતો અને બાદમાં તપાસ નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સુપરત કરી હતી.

તોડકરની હત્યામાં સંડોવાયેલા મનાતા ત્રણ શખ્સના નામ અને એમની તસવીરો નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગોવા પોલીસને આપી હતી. આ ત્રણેય શખ્સ ગોવામાં સંતાયા હોવાનું જણાવ્યું હતું. આ ત્રણ જણ છે – ભૂષણ ભગવાન આગસકર, આશિષ કાળે અને ચંદ્રશેખર વિશ્વનાથ પાટીલ.

ઉક્ત ત્રણેય શખ્સ નવી મુંબઈ પોલીસ દ્વારા હત્યા, જોખમી શસ્ત્રો વડે ઈજા પહોંચાડવા, ગેરકાયદેસર રીતે એકત્ર થવા અને રમખાણ કરવાના ગુનાઓ માટે વોન્ટેડ હતા. ત્રણેય જણને કાલંગુટ પોલીસે આજે સવારે પકડ્યા હતા.

પોતાની ધરપકડ થશે એવી ગંધ આવી જતાં ત્રણેય જણ જે હોટેલમાં સંતાયા હતા ત્યાંથી ભાગી ગયા હતા. એમાંના એક જણને પોલીસે કાલંગુટ બીચ પરથી પકડ્યો હતો અને બીજા બે જણને થોડા સમય બાદ પકડી લીધા હતા.

ત્યારબાદ નવી મુંબઈ પોલીસના અધિકારીઓ ગોવા પહોંચ્યા હતા અને ત્રણેય જણનો કબજો લીધો હતો. એમને લઈને નવી મુંબઈના પોલીસ અધિકારીઓ મુંબઈ-નવી મુંબઈ જવા રવાના થયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]