ગુજરાતઃ નવી શરતની જમીનની બિનખેતી પ્રક્રિયામાં આવ્યો મોટો ફેરફાર

ગાંધીનગર- બિન ખેતી જમીનને લઇને મહેસૂલપ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે શહેરી વિસ્તારમાં આવેલી નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની નવી શરતની ખેતીની જમીનના બિનખેતીના પ્રસંગે ખેતીથી ખેતીનું પ્રિમિયમ સર્વે નંબરના ક્ષેત્રફળના બદલે હવેથી અંતિમ ખંડ (ફાઇનલ પ્લોટ)ના ક્ષેત્રફળ મુજબ આકારવામાં આવશે.મહેસૂલપ્રધાને આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, હાલમાં, શહેરી વિસ્તારમાં જ્યારે અરજદાર તેની ખેતીની જમીન બિન ખેતી કરવા અંગે દરખાસ્ત કરે ત્યારે ખેતીથી ખેતી હેતુ માટે સર્વે નંબરમાં દર્શાવેલ મૂળ ક્ષેત્રફળ મુજબ ખેતીથી ખેતીનું પ્રિમિયમ લેવામાં આવે છે. શહેરી વિસ્તારમાં સામાન્યતઃ જાહેર સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર, પાણી પુરવઠા, લાઈટ માટે ઉપયોગમાં લેવામાં આવતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત કરવામાં આવે છે. આથી, શહેરી વિસ્તારમાં અરજદાર પાસે ૬૦ ટકા જેટલી જ જમીન ભોગવટા માટે રહેતી હોય છે. આથી, ખેતીથી બિનખેતીનું જે પ્રિમિયમ વસૂલ લેવામાં આવે છે તેમાં જાહેર માળખાકીય સુવિધાઓ માટે ૪૦ ટકા જમીનની કપાત બાદ કરીને વધતી ૬૦ ટકા જેટલી જમીન ઉપર બિનખેતીનું પ્રિમિયમ વસૂલવામાં આવે છે.

મહેસૂલ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં જ્યારે અરજદાર પોતાની જમીન બિન ખેતી કરવા દરખાસ્ત કરે તે સમયે જો ખેતીથી ખેતીનું પ્રિમિયમ વસૂલવાનું થતુ હોય તો તેવા કિસ્સાઓમાં હવેથી ખરેખર ભોગવટાની જમીન એટલે કે જાહેર સુવિધાઓ માટે કપાત કરવામાં આવતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત બાદની ૬૦ ટકા ક્ષેત્રફળ મુજબ એટલે કે ‘એફ’ ફોર્મમાં દર્શાવેલ અંતિમ ખંડના ક્ષેત્રફળ મુજબ ખેતીથી ખેતીનું પ્રિમિયમ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ નિર્ણયથી બિનખેતી પ્રસંગે પ્રિમિયમ વસૂલવા અંગેના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ થશે તેમ જ શહેરી વિસ્તારમાં આવેલી ખેતીની જમીનો ઉપર મૂળ ક્ષેત્રફળના આધારે જે પ્રિમિયમ લેવામાં આવે છે, તે મળવાપાત્ર ક્ષેત્રફળના આધારે લેવામાં આવવાથી તેઓને ભરવાની થતી પ્રિમિયમની રકમમાં આશરે ૪૦ ટકા જેટલો ઘટાડો થવાથી ખેડૂતોને રાહત થશે તેમજ તેઓની જમીનની કિંમતોમાં પણ તે મુજબ પ્રમાણસરનો વધારો પણ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]