મુંબઈ બંધ સમાપ્ત કર્યાની મરાઠા ક્રાંતિ મોરચાની જાહેરાત; બંધ સફળ રહ્યાનો દાવો કર્યો

મુંબઈ – સરકારી નોકરીઓ તથા શિક્ષણ સંસ્થાઓમાં મરાઠા સમાજના લોકો માટે 16 ટકા બેઠકો અનામત રાખવાની માગણી પર દબાણ લાવવા માટે મરાઠા ક્રાંતિ મોરચા સંગઠને આજે સવારથી યોજેલા મુંબઈ બંધને બપોરે 2.45 વાગ્યે પાછું ખેંચી લીધાની મોરચાના સંયોજક વિરેન્દ્ર પવારે જાહેરાત કરી હતી.

બંધ સફળ રહ્યું હોવાનો આયોજકોએ દાવો કર્યો છે અને બંધને સફળ બનાવવા બદલ મુંબઈવાસીઓનો આભાર માન્યો છે.

મરાઠા ક્રાંતિ મોરચાએ મુંબઈ ઉપરાંત નવી મુંબઈ, પાલઘર, થાણે, રાયગડ, સાતારામાં પણ આજે બંધ પાળ્યો હતો.

તળ મુંબઈ તથા ઉપનગરોમાં આજે સવારથી જ દુકાનો બંધ રાખવામાં આવી હતી. જે સ્થળોએ દુકાનદારોએ એમની દુકાનો ખુલ્લી રાખી હતી એને મરાઠા સમાજના કાર્યકર્તાઓએ બંધ કરવાની ફરજ પાડી હતી.

મરાઠા ક્રાંતિ મોરચાએ મુંબઈ બંધ શાંતિપૂર્ણ રાખવાનું વચન આપ્યું હતું અને પોતાના સમાજના લોકોને બંધ દરમિયાન હિંસા કે તોડફોડ ન કરવાની અપીલ કરી હતી તે છતાં બંધના કલાકો દરમિયાન અમુક જગ્યાએ પથ્થરમારો અને હિંસાના છુટાછવાયા બનાવો બન્યા હતા. જોગેશ્વરી અને થાણેમાં આંદોલનકારોએ ટ્રેન રોકી હતી. તો ઘણે ઠેકાણે ‘બેસ્ટ’ની બસોને પણ અટાકવી હતી. જોકે શાળા-કોલેજો, ઓફિસો, પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા, સ્કૂલ બસ, હોસ્પિટલ, દૂધની ટેન્કરો જેવી આવશ્યક સેવાઓને બંધમાંથી મુક્ત રાખવામાં આવી હતી.

મરાઠા સમાજ પ્રેરિત મહારાષ્ટ્ર બંધે ગઈ કાલે રાજ્યના અમુક ભાગોમાં હિંસક વળાંક લીધો હતો. મહારાષ્ટ્રમાં 58 શાંતિપૂર્ણ રેલીઓ કાઢ્યા બાદ મરાઠા અનામત આંદોલનનું મહારાષ્ટ્ર બંધ ગઈ કાલે હિંસક બન્યું હતું. જેમાં એક કોન્સ્ટેબલનો જાન ગયો હતો, અનેક સ્થળે પથ્થરમારા, તોડફોડ અને નેતાઓને ધક્કે ચડાવવાના બનાવો બન્યા હતા.

શાળા-કોલેજોમાં સવારના સત્રનું કામકાજ રાબેતા મુજબ છે. ઠેકઠેકાણે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

મરાઠા ક્રાંતિ મોરચાએ શરૂઆતમાં 9 ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધ પાળવાનું નક્કી કર્યું હતું, પરંતુ સોમવારે ઔરંગાબાદમાં 28 વર્ષના એક દેખાવકારે ગોદાવરી નદીમાં કૂદીને આત્મહત્યા કર્યા બાદ વ્યાપેલા રોષને પગલે મંગળવારે જ બંધનું એલાન કરી દેવામાં આવ્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]