મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાવાઈરસના કેસ ખૂબ વધી જતાં આજથી સપ્તાહાંત (વીક-એન્ડ) લોકડાઉન નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નિયંત્રણ હેઠળ શુક્રવારે રાતે 8 વાગ્યાથી લઈને સોમવારે સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન લાગુ રહેશે. માત્ર આવશ્યક સેવાઓને જ ચાલુ રાખવાની પરવાનગી છે. 144મી કલમ અમલમાં રહેશે એટલે કે આખા દિવસમાં પાંચ કે તેથી વધારે વ્યક્તિ એકત્ર થઈ શકશે નહીં. આ નિયંત્રણો 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે.
શું બંધ રહેશે?
તમામ સમુદ્રકિનારા (બીચ) 30 એપ્રિલ સુધી બંધ રહેશે
તમામ ખાનગી ઓફિસો બંધ રહેશે (ફાઈનાન્સિયલ સર્વિસીસને બાદ કરતાં). વર્ક ફ્રોમ હોમ જ કરવાનું રહેશે.
રેસ્ટોરન્ટ્સ અને બીયર બારમાં ગ્રાહકોને બેસાડી શકાશે નહીં. ટેક-અવે અને હોમ ડિલીવરીને સવારે 7થી રાતે 8 સુધી પરવાનગી રહેશે.
તમામ દુકાનો, શોપિંગ મોલ્સ અને બજારો બંધ રહેશે, માત્ર દવા-ઔષધો, કરિયાણા (ગ્રોસરી) અને શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે.
સિનેમાગૃહ, થિયેટર, સ્વિમિંગ પૂલ, ઓડિટોરિયમ્સ જેવા મોજમજાના સ્થળો બંધ રહેશે.
ધાર્મિક સ્થળો બંધ રહેશે.
બ્યૂટી પાર્લર, હેરકટિંગ સલૂન, સ્પા બંધ રહેશે.
શું ખુલ્લું રહેશે?
ખાનગી અને જાહેર પરિવહન ચાલુ રહેશે, પરંતુ ઓટોરિક્ષા, ટેક્સી અને ખાનગી વાહનોમાં 50 ટકા જ સીટિંગ ક્ષમતા રાખવાની રહેશે.
રસ્તા પરના ફેરિયાઓ, પાર્સલ સેવાને સવારે 7થી રાતે 8 સુધી જ છૂટ રહેશે.
ઈ-કોમર્સ સેવાઓ સવારે 7થી રાતે 8 સુધી ચાલુ રાખી શકાશે. તે છતાં ડિલીવરી સ્ટાફે રસી લીધી હોવી જોઈએ.
અખબારોનું પ્રિન્ટિંગ અને વિતરણ ચાલુ રાખી શકાશે, પરંતુ ફેરિયાઓએ રસી લીધી હોવી જોઈએ.
સરકારી ઓફિસો 50 ટકા કર્મચારીઓની ક્ષમતા સાથે ચાલુ રાખવાની રહેશે.
આરોગ્ય નિયમોના પાલન સાથે ઔદ્યોગિક અને બાંધકામ પ્રવૃત્તિઓ, તેમજ મેન્યૂફેક્ચરિંગ યુનિટો ચાલુ રાખી શકાશે.
ફિલ્મ શૂટિંગ ચાલુ રાખી શકાશે, પરંતુ ટોળા થવા ન જોઈએ. 10 એપ્રિલથી ત્યાં હાજર દરેક જણ માટે RT-PCR નેગેટિવ ટેસ્ટ ફરજિયાત રહેશે.