મુંબઈઃ પડોશના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં બે-માળવાળું અને 10 વર્ષ જૂનું એક મકાન ગઈ કાલે બપોરે 1.45 વાગ્યે તૂટી પડતાં છ જણનાં કરૂણ મરણ થયા છે અને બીજાં 9 જણને ઈજા થઈ છે. 14 જણને બચાવી લેવામાં આવ્યા છે. આ દુર્ઘટના વળપાડા વિસ્તારમાં આવેલા વર્ધમાન કમ્પાઉન્ડના મકાનમાં થઈ છે. તે મકાનમાં ભોંયતળિયે અને પહેલા માળ પર એક કંપનીનું ગોડાઉન હતું અને બીજા માળ પર ચાર પરિવારો રહેતાં હતાં. બપોરે મકાન પત્તાનાં મહેલની માફક તૂટી પડ્યું હતું. ત્રણ મૃતકને ઓળખી શકાયા છેઃ સુધાકર ગવઈ, પ્રવીણ ચૌધરી અને ત્રિવેણી યાદવ. બે ભાઈએ આ દુર્ઘટનામાં એમની માતાને ગુમાવી દીધી છે. બંને બાળક ઈજાગ્રસ્ત છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ મકાન પર તાજેતરમાં એક મોબાઈલ ટાવર બેસાડવામાં આવ્યો હતો. એનો ભાર ખમી ન શકતાં મકાન ગઈ કાલે બપોરે જમીનદોસ્ત થયું હતું, એમ મહાપાલિકાના એક અધિકારીએ કહ્યું.
(તસવીર સૌજન્યઃ @CMOMaharashtra)
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેઓ હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્તોને પણ મળ્યા હતા અને મૃતકોનાં સ્વજનોને પાંચ-પાંચ લાખ રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તો માટે પણ આર્થિક સહાયતા જાહેર કરી છે તેમજ એમની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે એમ પણ કહ્યું.