જિયાનાં માતા કોર્ટના ચુકાદાથી નારાજ; સૂરજ પંચોલીએ કહ્યું, ‘સત્યની જીત થઈ છે’

મુંબઈઃ યુવા અભિનેત્રી જિયા ખાનનાં શંકાસ્પદ મૃત્યુના કેસમાં મજબૂર કરવાના આરોપમાંથી યુવા અભિનેતા અને જિયાનાં બોયફ્રેન્ડ સૂરજ પંચોલીને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે આજે નિર્દોષ જાહેર કર્યા બાદ જિયાનાં માતા રબીયા ખાને કોર્ટના ચુકાદા અંગે નારાજગી વ્યક્ત કરી છે અને કેન્દ્રીય તપાસનીશ એજન્સી સીબીઆઈની ઝાટકણી કાઢી હતી. કોર્ટની બહાર પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘હું સ્પેશિયલ કોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં પડકારીશ. એ લોકો ઈચ્છે છે કે હું વધારે મહેનત કરું. હું વધારે મહેનત કરીશ. મેં 10 વર્ષથી લડાઈ લડી છે, હજી વધારે લડીશ. જિયાને ન્યાય મળશે.’

ઉલ્લેખનીય છે કે જિયા ખાન 2013માં મુંબઈમાં જુહૂ વિસ્તારસ્થિત એનાં ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં એનાં મૃત્યુને આત્મહત્યા તરીકે ગણવામાં આવ્યો હતો. બાદમાં રબીયા ખાને આરોપ મૂક્યા બાદ સૂરજ પંચોલી વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જિયાનાં મૃત્યુની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે એવી માગણી સાથે તેમણે એવો આરોપ મૂક્યો હતો કે સૂરજ જિયાને સાથે ગેરવર્તન કરતો હતો.

દરમિયાન, બોલીવુડ કલાકાર દંપતી – આદિત્ય પંચોલી અને ઝરીના વહાબનાં 32 વર્ષીય પુત્ર સૂરજ પંચોલીએ આજે સ્પેશિયલ કોર્ટના ચુકાદા બાદ પોતાનું મૌન તોડ્યું છે. એણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું છેઃ ‘સત્યની હંમેશાં જીત થાય છે. ભગવાન મહાન છે.’ જજે ચુકાદો આપ્યો ત્યારે સૂરજ અને તેની માતા ઝરીના વહાબ કોર્ટમાં હાજર હતાં.

સૂરજ સામે ભારતીય ફોજદારી કાયદાની કલમ 306 (આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુના) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. 2013ના જૂનમાં એની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એ જ વર્ષના જુલાઈમાં એનો જામીન પર છૂટકારો થયો હતો. જિયાએ છ-પાનાંના લખેલા એક પત્રના આધાર પર સૂરજ પંચોલી સામે આરોપ નોંધવામાં આવ્યો હતો.