સ્થાનિકોનાં-વિરોધ વચ્ચે માથેરાનમાં ઈ-રીક્ષાના પરીક્ષણની મંજૂરી અપાઈ

મુંબઈઃ પડોશના રાયગઢ જિલ્લામાં આવેલા લોકપ્રિય હિલ સ્ટેશન માથેરાનમાં પ્રયોગાત્મક ધોરણે ઈલેક્ટ્રિક રીક્ષા (ઈ-રીક્ષા)ની અજમાયશ કરવાની મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ સત્તાવાળાઓએ પરવાનગી આપી છે. સંપૂર્ણપણે લાલ માટીના કુદરતી કાચા રસ્તાઓ ધરાવતા આ હિલ સ્ટેશનમાં હાલ એમ્બ્યુલન્સને બાદ કરતાં કોઈ પણ પ્રકારના મોટર-સંચાલિત વાહનો ચલાવવાની પરવાનગી નથી. એને કારણે માથેરાન પર્યટકો-સહેલાણીઓમાં એક અનોખું આકર્ષણ ધરાવે છે.

માથેરાન મુંબઈ શહેરથી લગભગ 100 કિ.મી. દૂર આવેલું છે. આ હિલસ્ટેશન પર ઈ-રીક્ષા સેવા શરૂ કરવા માટે પ્રયોગો હાથ ધરવાનો સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ કેસ ગણીને મહારાષ્ટ્રના રીજનલ ટ્રાન્સોર્ટ ઓફિસ (આરટીઓ) વિભાગને ગયા વર્ષે આદેશ આપ્યો હતો. આ પરવાનગી સુપ્રીમ કોર્ટે મુંબઈ મેટ્રોપોલિટન રીજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએમઆરટીએ)ને આપી છે.

માથેરાનમાં ઈ-રીક્ષા શરૂ કરાય તે સ્થાનિક લોકોને ગમ્યું નથી. માત્ર બેજ-ધારક ઓટો ડ્રાઈવરોને જ સાત ઈ-રીક્ષા ચલાવવાની પરવાનગી અપાઈ છે. પહાડ પરના વિશાળ મેદાન વિસ્તારમાં વસેલા માથેરાનમાં બધે કાચા રસ્તાઓ પર ચાલતાં જવું પડે છે. માત્ર ઘોડા કે ડોલીની જ વ્યવસ્થા છે. માથેરાન રેલવે સ્ટેશન અને નેરલ સ્ટેશન વચ્ચે મિની-ટોય ટ્રેનની સેવા છે. જોકે 2019ની ચોમાસાની મોસમમાં અનેક જગ્યાએ ટ્રેનના પાટાઓને નુકસાન પહોંચતાં મિની ટ્રેન સેવા માથેરાન અને અમન લોજ (દસ્તુરી નજીક) વચ્ચે જ ઉપલબ્ધ છે. માથેરાન તરફ જવા માટે દસ્તુરી પોઈન્ટથી આગળ વાહનોને જવાની પરવાનગી નથી.