ગેહલોત કા જાદુ ચલ ગયા?

જાદુગરો હંમેશા સ્માર્ટ હોય, પછી એ સ્ટેજ પર જાદુના ખેલ કરતા જાદુગર હોય કે બિઝનેસની ગેમના જાદુગર હોય કે પછી રાજકારણના જાદુગર હોય! સાચો જાદુગર ટોપલીમાંથી શું નીકળશે એની છેલ્લે સુધી કોઇને ખબર ન પડવા દે.

આ દ્રષ્ટિએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજકારણની ગેમમાં પણ જાદુગર પૂરવાર થયા છે. કોંગ્રેસ હાઇકમાન્ડ (એટલે ગાંધી પરિવાર) સહિત આખીય કોંગ્રેસ લગભગ માની બેઠેલી કે, અશોક ગેહલોત હવે પક્ષના નવા અધ્યક્ષ બનશે અને સચિન પાઇલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બનશે. બન્ને મામલા ઉકેલાઇ જશે ને ઘીના ઠામમાં ઘી પડીને રહેશે.

પણ અશોક ગેહલોત નામના આ જાદુગર ઘીના ઠામમાં ઘીના બદલે ઉકળતું તેલ રેડી દઇ શકે છે એ વાતનો અંદાજ કોઇને નહોતો. પરિણામે પક્ષના અધ્યક્ષપદનો મામલો ફરીથી ઉકળતા તેલ જેવો બની ચૂક્યો છે.

આખાય મામલામાં શું થયું, કઇ રીતે ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ બંડ પોકાર્યું, કઇ રીતે ગેહલોતે કટ્ટર પ્રતિસ્પર્ધી સચિન પાઇલટની બાજી ઊંધી વાળી અને કઇ રીતે સમીકરણો બદલાયા એ ઘટનાક્રમનું પુનરાવર્તન અહીં નથી કરતા, પણ આ મામલામાં કોંગ્રેસની આબરુનું જે રીતે ધોવાણ થયું છે એ જોતાં આ ચાર મુદ્દા પરથી પક્ષની વર્તમાન પરિસ્થિતિનો નિષ્કર્ષ કાઢી શકાયઃ

એકઃ ગાંધીઝ આર નો લોંગર પાવરફૂલ

જમાનો હતો, જ્યારે ગાંધી પરિવારનો પક્ષમાં અને પ્રજામાં દબદબો હતો. જેમના હુકમથી રાષ્ટ્રપતિ જેવા હોદ્દે બેઠેલો જણ ઝાડુ મારવા તૈયાર હતો એ ગાંધી પરિવારની હાલત આજે દયનીય છે. કદાવર નેતાઓ પક્ષ છોડીને જાય એ નવી વાત નથી, પણ અશોક ગેહલોત જેવા પરિવારને વફાદાર નેતા જ પરિવારની ઇચ્છાનો (અહીં આજ્ઞા એમ વાંચવું) અનાદર કરે, અને એ પણ આ રીતે સરાજાહેર કરે, એ સાબિત કરે છે કે પક્ષમાં હવે ગાંધી પરિવારનું પ્રભુત્વ વાસ્તવિક રીતે રહ્યું નથી. ગેહલોત-પાઇલટની લડાઇ તો તાજી છે. એ પહેલાં મધ્યપ્રદેશમાં કમલનાથ-સિંધિયા અને પંજાબમાં કેપ્ટન-સિધ્ધુ વચ્ચેની લડાઇને પારખવામાં, એનો ઉકેલ લાવવામાં ગાંધી પરિવારની નિષ્ફળતા છતી થઇ ચૂકી છે. એમની આ અણઆવડતના કારણે કોંગ્રેસ બન્ને રાજ્ય ગુમાવ્યા. સોનિયા, રાહુલ કે પ્રિયંકા હવે વોટ-પુલર નથી એટલે કે મત લાવી શકતા નથી એ તો ક્યારનું ય પુરવાર થઇ ચૂક્યું છે, પણ પક્ષમાંય હવે નેતાઓ એમનો પડયો બોલ ઝીલવા તૈયાર નથી એ વાત આનાથી સાબિત થઇ છે. જે લોકો એમનો પડયો બોલ ઝીલવા તૈયાર છે એમાં એમનો નર્યો રાજકીય સ્વાર્થ છે, પ્રેમ કે આદર નથી.

(Photo: Qamar Sibtain/IANS)

એક દલીલ એવી છે કે ગાંધીઝ આજે પણ કોંગ્રેસ માટે અનિવાર્ય છે. કોંગ્રેસમાં માથા એટલા નેતા છે. દરેકનું પોતપોતાના ક્ષેત્ર-વિસ્તારમાં પ્રભુત્વ છે, પણ આખા દેશમાં બધાને સ્વીકાર્ય હોય એવો એક પણ નેતા પક્ષમાં નથી. અંદરોઅંદર વર્ચસ્વની તીવ્ર લડાઇ છે. આ સંજોગોમાં આ પરિવાર જ છે, જે પક્ષને એકતાંતણે જોડી રાખી શકે છે. (નરસિંહારાવની કેન્દ્રમાં સરકાર હતી એ સમયગાળો થોડોક અપવાદરૂપ ગણી શકાય, કેમ કે ત્યારે સોનિયા ગાંધી રાજકારણથી દૂર હતા. સત્તાનું કેન્દ્ર આ પરિવાર નહોતો, પણ સત્તા હતી.) આ દલીલ સ્વીકારો તો પણ, એ હકીકત છે કે ગાંધી પરિવાર આજે કોંગ્રેસની તાકાત ય છે અને નબળાઇ પણ છે.

બેઃ કોંગ્રેસ સંજોગોની શિકાર છે

પરિસ્થિતિ ખરાબ હોય ત્યારે વાંદરુય સિંહને ટપલી મારી જાય છે. કોંગ્રેસ અત્યારે એના અસ્તિત્વની સૌથી ખરાબ પરિસ્થિતિમાં છે. રાજસ્થાન અને છત્તીસગઢ સિવાય ક્યાંય સત્તા નથી અને સત્તાનો મધપૂડો ન હોય ત્યાં લાળ ટપકાવવા કોઇ આવતું નથી. અશોક ગેહલોત રાજકારણના શાતિર ખેલાડી છે. એમણે જોયું કે, અત્યારે પક્ષને પોતાની વધારે ગરજ છે એટલે એમનામાં હાઇકમાન્ડનું નાક દબાવવાની હિંમત આવી. અગાઉ જી-23 ગ્રુપના નેતાઓ આટઆટલું બોલ્યા, ઉઘાડેછોગ બોલ્યા, ગુલામનબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવાઓ પક્ષ છોડીને ગયા તો પણ અસંતુષ્ટો સામે હાઇકમાન્ડ કાંઇ ન કરી શક્યું! આ જ ગેહલોત અને સચિન પાઇલટ જ્યારથી રાજસ્થાનમાં પક્ષને સત્તા મળી ત્યારથી બાખડે છે, પણ રાહુલ ગાંધી બેમાંથી કોઇને કાંઇ કહી શકતા નથી. ફક્ત બન્ને નેતાઓ સાથે ‘યુનાઇટેડ કલર ઓફ રાજસ્થાન’ એવો ફોટો ટ્વિટ કરવાથી કાંઇ ન થાય!

(તસવીરઃ રાહુલ ગાંધીના ટ્વિટર એકાઉન્ટ પરથી)

નબળામાં નબળો કોંગ્રેસી પણ આજે હાઇકમાન્ડનું નાક દબાવી શકે છે, કેમ કે સામે એમને આવકારવા ભાજપે કાયમ લાલ જાજમ પાથરેલી હોય છે. આજે ભાજપ પાસે સત્તા છે, નાણા છે. કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જવા તૈયાર થાય, પણ ભાજપમાંથી કે અન્ય પક્ષમાંથી કોંગ્રેસમાં આવવા કોણ તૈયાર થાય? આ ‘વલ્નબરેલિટી’ નો લાભ ભાજપ ઉઠાવે અને એને વધારે કમજોર કરવા પ્રયત્નો કરે એ સ્વાભાવિક છે.

ત્રણઃ અધ્યક્ષ કોઇપણ બને, વાસ્તવિક સત્તા કોની?

સવાસોથી વધુ વર્ષ જૂના આ પક્ષની સૌથી મોટી કરુણતા એ છે કે એ પોતાનો અધ્યક્ષ નક્કી કરી શકતો નથી. પક્ષમાં ગાંધી પરિવારની બહાર કોઇ કાબેલ વ્યક્તિ નથી એવું તો નથી, પણ વાસ્તવિકતા એ છે કે એ વ્યક્તિ કાબેલ પણ હોવી જોઇએ અને સાથે ગાંધી પરિવારને સંપૂર્ણ વફાદાર પણ હોવી જોઇએ. આ શક્ય નથી. 2019ની હાર પછી રાહુલ ગાંધી આ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી એવું વારંવાર કહેવાય છે, પણ જો રાહુલ હકીકતમાં પક્ષને કાબેલ નેતૃત્વ મળે એવું ઇચ્છતા હોય તો પક્ષનો દોરીસંચાર કેમ છોડી નથી દેતા?  આજે રાહુલ ફક્ત એક સંસદસભ્ય સિવાય કોઇ હોદ્દા પર નથી, પણ એમની ભારત જોડો યાત્રા કોંગ્રેસના અધ્યક્ષની જ યાત્રા લાગે છે.

(Photo:IANS)

મુદ્દો એ છે કે, હજુ ચૂંટણી થઇ જ નથી એ પહેલાં ગેહલોત જ અધ્યક્ષ બનશે એમ માનીને એમને મુખ્યમંત્રીપદ છોડવાનું કેમ કહેવામાં આવ્યું? હવે જ્યારે ગેહલોતે આ પરિવારની જ વાત માનવાનો ઇન્કાર કર્યો એટલે અધ્યક્ષપદ માટે એમના સિવાયના નામો બહાર આવી રહ્યા છે. થરૂર સ્વતંત્ર રીતે વિચારી શકે એવા નેતા છે, બળવાખોર ગણાતા ગ્રુપના છે એટલે એમના પર ભરોસો મૂકાય એમ નથી.

અર્થ સાફ છે- પક્ષના નવા અધ્યક્ષ કોઇપણ બને, વાસ્તવિક સત્તા રાહુલ ગાંધી છોડવા માગતા નથી. કોંગ્રેસ આ પ્રયોગ મનમોહનસિંહ સરકાર વખતે કરી ચૂકી છે, જ્યાં સત્તાના બે કેન્દ્ર સમાંતર ચાલતા. આ પ્રયોગના કારણે મનમોહનસિંહ જેવા શ્રેષ્ઠ વ્યક્તિની શક્તિઓનો પૂરતો ઉપયોગ ન થઇ શક્યો.

ચારઃ ભાજપ સાથે સરખામણી શક્ય નથી

કોંગ્રેસના પ્રવક્તાઓ કે નેતાઓ અવારનવાર એવી દલીલ કરતા હોય છે કે કોંગ્રેસ ફક્ત ગાંધી પરિવારથી જ ચાલે છે એમ ભાજપ પણ ફક્ત નરેન્દ્ર મોદી-અમિત શાહથી જ ચાલે છે તો એમના વિશે કેમ કોઇ બોલતું નથી? એમ તો ભાજપમાં પણ વર્તમાન પ્રમુખ જે.પી. નડ્ડાને મોદી-શાહના રિમોટ કંટ્રોલ જ ગણવામાં આવે છે તો ટીકા ફક્ત કોંગ્રેસની જ કેમ?

સૈધ્ધાંતિક રીતે દલીલ ખોટી ય નથી. ભાજપમાં પણ જે.પી. નડ્ડા પાસે વાસ્તવિક સત્તાઓ નથી એ બધા જાણે છે. ભૂતકાળમાં પણ બાંગારૂ લક્ષ્મણ, કુશાભાઉ ઠાકરે કે જના. ક્રિષ્ણમૂર્તિ જેવા મર્યાદિત અપીલ ધરાવતા નેતાઓ ભાજપના પ્રમુખ બન્યા છે અને ત્યારે પણ વાસ્તવિક સત્તા સંઘ અને અટલજી-અડવાણીજીની જોડી પાસે જ હતી.

પરંતુ બન્ને પક્ષ વચ્ચે મૂળભૂત ફરક એ છે, ભાજપમાં વાસ્તવિક સત્તા મોદી-શાહ પાસે એટલા માટે છે કે એમની પાસે પક્ષને સત્તા અપાવવાની ક્ષમતા અને આવડત છે. કોંગ્રેસની જેમ ભાજપમાં ય આંતરિક વિખવાદો ઓછા નથી, પણ એ વિખવાદોની વચ્ચે ય રાજ્યોમાં મુખ્યમંત્રી બદલવાની ત્રેવડ એમનામાં છે. ગુજરાતમાં પહેલાં આનંદીબહેન અને પછી વિજય રૂપાણીને બદલ્યા એનાથી પક્ષમાં કચવાટ છે, પણ એ વિખવાદની ચૂંટણીના પરિણામો પર અસર થતી નથી. આસામમાં હિમંતા બિશ્વા સરમાએ સર્વાનંદ સોનોવાલ સામે બળવો કર્યો, ભાજપ હાઇકમાન્ડે એમની તાકાત સ્વીકારવી પડી અને સર્વાનંદ સોનોવાલ હરફ ય ઉચ્ચારી શક્યા. કાર્યકરોને એવો નેતા જ ખપે, જે એમને સત્તા અપાવી શકે. ભાજપ પાસે આજે એવું નેતૃત્વ છે એટલે કાર્યકરોને ન ગમે તો પણ એમના હુકમો માન્યા સિવાય છૂટકો નથી. સામે પક્ષે કોંગ્રેસનું  નેતૃત્વ (એટલે કે ગાંધી પરિવાર) આજે આ ક્ષમતા કે આવડત ગુમાવી બેઠું છે.

હા, આવતીકાલે આ જ રાહુલ કે આ જ પ્રિયંકા જો કોંગ્રેસને સત્તામાં લાવી દે, તો આ જ કોંગ્રેસીઓ ફરીથી એમનો પડયો બોલ ઝીલવા તૈયાર રહેવાના જ.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે. વિચારો એમના અંગત છે.)