મ્યૂકોરમાઈકોસિસ દર્દીઓને મહારાષ્ટ્ર સરકાર મફત સારવાર આપશે

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી જે લોકો સાજા થયા છે એમાંનાં ઘણાને હવે મ્યૂકોરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ નામની બીમારી લાગુ પડ્યાના કેસ નોંધાઈ રહ્યા છે. મ્યૂકોરમાઈકોસિસને કારણે કોરોના દર્દીને આંખે અંધાપો આવવા અને અમુક કેસમાં મૃત્યુ થવાની પણ આશંકા રહે છે. આ ગંભીર સમસ્યા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે કે મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓને રાજ્યમાં સરકાર દ્વારા મફતમાં સારવાર આપવામાં આવશે.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કોરોનામાંથી સાજા થયેલા લોકો કાળી ફંગસ અથવા મ્યૂકોરમાઈકોસિસ બીમારીથી પીડાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે આની ગંભીર રીતે નોંધ લીધી છે. આ માટે સરકાર જનજાગૃતિ ઝુંબેશ શરૂ કરશે અને મ્યૂકોરમાઈકોસિસનો શિકાર બનેલા દર્દીઓને ‘મહાત્મા જ્યોતિબા ફૂળે જન આરોગ્ય યોજના’ અંતર્ગત મફતમાં સારવાર આપવામાં આવશે.

(તસવીરઃ પ્રતિકાત્મક)