મુંબઈઃ મસ્જિદો પરથી લાઉડસ્પીકરો હટાવી લેવાની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના વડા રાજ ઠાકરેએ આપેલી ચેતવણીને પગલે પડોશના થાણે જિલ્લાના મુંબ્રા ઉપનગરમાં એક મસ્જિદની બહાર દેખાવો કરવા બદલ મુંબ્રાની પોલીસે પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સંગઠનના કાર્યકર્તાઓ સામે ફરિયાદ નોંધી છે. તે PFIનો મુંબ્રા એકમનો પ્રમુખ અબ્દુલ મતીન શેખાની ફરાર થઈ ગયો છે. પોલીસની બે ટૂકડી એને શોધી રહી છે.
ઉલ્લેખનીય છે કે PFIના કાર્યકર્તાઓએ ગયા શુક્રવારે પોલીસ પાસેથી પરવાનગી મેળવ્યા વગર મસ્જિદની બહાર દેખાવો કર્યા હતા. શેખાનીએ એકત્ર થયેલા લોકો સમક્ષ ભડકાવનારું ભાષણ કર્યું હતું. ગેરકાયદેસર દેખાવો કરવા બદલ PFIના કાર્યકર્તાઓ સામે ભારતીય ફોજદારી કાયદાની ત્રણ કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલુ કરવામાં આવી છે.