મહારાષ્ટ્રમાં શરાબની દુકાનો ખોલવાની પરવાનગી નહીંઃ આરોગ્ય પ્રધાનનો U-ટર્ન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન શરાબની દુકાનો ખુલ્લી રાખવાના મુદ્દે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ‘અબાઉટ ટર્ન’ કર્યું છે. ગઈ કાલે એમણે કહ્યું હતું કે જો શરાબની દુકાનવાળાઓ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરવાના હોય તો દુકાનો ખુલ્લી રાખવા દેવામાં સરકારને કોઈ વાંધો નથી.

પરંતુ, આજે એમણે ચોખવટ કરી કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કડક રીતે પાલન કરાય અને તમામ પ્રકારની સાવચેતી લેવામાં આવે તો જ શરાબની દુકાનો પરના નિયંત્રણો ઉઠાવી લેવા અંગે આખરી નિર્ણય લેવામાં આવશે.

ટોપેએ કહ્યું કે કોરોના વાઈરસ (કોવિડ-19) લોકડાઉન દરમિયાન જે દુકાનો ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે એમાં હાલ શરાબની દુકાનોનો સમાવેશ કરાયો નથી.

રાજ્યના એક્સાઈઝ ખાતાના પ્રધાન દિલીપ વળસે-પાટીલે કહ્યું છે કે મુંબઈ તથા શેષ મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન શરાબનું વેચાણ કરવા દેવામાં નહીં આવે.

આરોગ્ય પ્રધાન ટોપેએ આજે કહ્યું કે મહારાષ્ટ્રમાં શરાબની દુકાનો ખુલ્લી રાખવા દેવા અંગે સરકારે કોઈ નોટિફિકેશન બહાર પાડ્યું નથી.

મહારાષ્ટ્ર સાઈબર સેલ તરફથી લોકોને ચેતવણી આપવામાં આવી છે કે શરાબના વેચાણ પરના નિયંત્રણ ઉઠાવી લેવાના મુદ્દે નકલી સોશિયલ મિડિયા જાહેરખબરો રિલીઝ કરાઈ છે, લોકોએ આવી અફવાઓને માનવી નહીં.

ગયા અઠવાડિયે, કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન આલ્કોહોલિક બેવરેજ કંપનીઝ તરફથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને વિનંતી કરવામાં આવી હતી કે રાજ્યમાં શરાબના વેચાણ માટે ડિસ્ટીલરીઝ અને વાઈન શોપ્સને તબક્કાવાર છૂટ આપવામાં આવે. રીટેલ દુકાનોમાં બે કરતાં વધારે સેલ્સમેન હશે અને માત્ર બે જ ગ્રાહકને દુકાનની અંદર પ્રવેશવા  દેવામાં આવશે.

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના 4,666 કેસો નોંધાયા છે અને 232 જણે જાન ગુમાવ્યા છે. મુંબઈમાં આ રોગને કારણે થયેલા મરણનો આંક 150 પર પહોંચી ગયો છે.