ઉદ્ધવ ઠાકરેના CM પદનો વિવાદઃ રાજ્યપાલના નિર્ણય પર નજર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસ, એમ ત્રણ પાર્ટીના બનેલા મહાવિકાસ આઘાડી ગઠબંધનની સરકાર છે. પરંતુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાનની ખુરશીના મામલે વિવાદ ઊભો થયો છે. આ વિવાદનો ઉકેલ લાવવાનું રાજ્યના ગવર્નર પર છોડવામાં આવ્યું છે. આમ, ભગતસિંહ કોશિયારીના નિર્ણય પર ઠાકરેની ખુરશી રહેશે કે જશે એની પર આધાર છે.

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે વિધાનસભાના સદસ્ય નથી. નિયમ મુજબ એમણે સત્તા સંભાળ્યાના છ મહિનાની અંદર વિધાનસભ્યપદ હાંસલ કરવું પડે, પછી એ વિધાનસભાનું હોય કે વિધાન પરિષદનું.

ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે મંજૂરીની મ્હોર મારવાનું કામ કોશિયારી પર આવ્યું છે. આમ સૌની નજર એમના નિર્ણય પર ટકી છે. આ મામલે હસ્તક્ષેપ કરવાનો મુંબઈ હાઈકોર્ટે ઈનકાર કરી દીધો છે.

વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ કરેલી પીટિશન ઉપર હાઈકોર્ટે નિર્ણય લેવાનો ઈનકાર કર્યો છે. ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે મંજૂરી આપવાની રાજ્ય પ્રધાનમંડળે ગવર્નર કોશિયારીને ભલામણ કરી છે. પ્રધાનમંડળના આ નિર્ણયને ભાજપના સદસ્યએ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે કહ્યું કે ભલામણ ઉપર કાયદેસર રીતે વિચાર કરવાની ગવર્નરને સત્તા છે.

ઠાકરેએ 2019ની 28 નવેંબરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ વિધાનમંડળના બેમાંના એકેય ગૃહના સભ્ય નથી.

બંધારણના નિયમ અનુસાર, એમણે 2020ની 28 મે સુધીમાં કોઈ પણ ગૃહનું સભ્યપદ મેળવી લેવું પડે. કોરોના વાઈરસના ફેલાવાને કારણે દેશભરમાં ચૂંટણી પંચે તમામ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાને સ્થગિત કરી દીધી છે.

પરિણામે, મહારાષ્ટ્રના પ્રધાનમંડળે ગઈ 9 એપ્રિલે રાજ્યપાલ કોશિયારીને ભલામણ કરી હતી કે તમે તમારા ક્વોટામાંથી ઠાકરેને વિધાન પરિષદનું સભ્યપદ આપો, જેથી એ મુખ્ય પ્રધાન તરીકે ચાલુ રહી શકે.

બંધારણની કલમ 171માં જોગવાઈ છે કે રાજ્યપાલ વિશેષ જ્ઞાન કે સાહિત્ય, વિજ્ઞાન, કલા, સહકારી આંદોલન કે સમાજ સેવા જેવા ક્ષેત્રોમાં વ્યવહારિક અનુભવ ધરાવનાર વ્યક્તિને ગૃહના સભ્ય તરીકે નામાંકિત કરી શકે છે. રાજ્યપાલના ક્વોટામાં હજી બે સીટ બાકી છે, જે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાનસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા એટલે ખાલી પડી હતી.

હવે એ જ એનસીપી પાર્ટી રાજ્યમાં શાસક બનેલા મહાવિકાસ આઘાડીનો એક હિસ્સો છે. એનસીપીએ આ બંને સીટ માટે 2020ના આરંભે બે નામની ભલામણ કરી હતી, પણ રાજ્યપાલે એમ કહીને એની વિનંતીને નકારી કાઢી હતી કે આ બંને સીટની મુદત જૂન મહિનામાં ખતમ થાય છે તેથી હાલ એની પર નિયુક્તિ કરવાની કોઈ જરૂર નથી.

બંધારણીય નિષ્ણાતોએ હાઈકોર્ટના 1961ની સાલના એક ચુકાદાનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે ચંદ્રભાન ગુપ્તાની નિયુક્તિ અને રાજ્યપાલ દ્વારા એમને વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કરવાના નિર્ણયને ત્યાંની હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. અદાલતે ત્યારે કહ્યું હતું કે ગુપ્તાએ અનેક વર્ષો સુધી સક્રિય રીતે રાજકારણમાં ભાગ લીધો છે, જે સમાજસેવાના અનુભવ બરોબર છે તેથી એમને વિધાન પરિષદના સભ્ય તરીકે નામાંકિત કરાય એ નિર્ણય યોગ્ય છે.