પાલઘર મોબ-લિન્ચિંગ ઘટનામાં સીબીઆઈ તપાસ કરાવોઃ મુંબઈ હાઈકોર્ટમાં પીટિશન

મુંબઈઃ પડોશના પાલઘર જિલ્લાના ગડચિંચલે-ચૌકીપાડા ગામમાં ગયા ગુરુવારે રાતે લોકોના ટોળાએ ઉત્તર પ્રદેશના જૂના અખાડાના બે સાધુ અને એમની કારના ડ્રાઈવર, એમ ત્રણ જણની નિર્દયતાપૂર્વક કરેલી હત્યાના બનાવમાં સીબીઆઈ જેવા ઉચ્ચ સ્તરે તપાસ કરાવવામાં આવે એવી માગણી સાથે મુંબઈ હાઈકોર્ટમાં આજે પીટિશન નોંધાવવામાં આવી છે.

આ પીટિશન અલખ શ્રીવાસ્તવ નામના સુપ્રીમ કોર્ટના એક એડવોકેટે કરી છે. એમણે એવો આરોપ મૂક્યો છે કે હત્યાકાંડ થયો ત્યારે ત્યાં ઉપસ્થિત પોલીસોએ ટોળાને નિયંત્રણમાં રાખવાને બદલે ત્રણેય જણને ટોળાને હવાલે કરી દીધા હતા. તેથી આ ઘટનાની તપાસ સીબીઆઈ અથવા કોઈ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કરાવીને અદાલતમાં ખટલો ચલાવવો જોઈએ.

પોતાની ફરજમાં ભૂલ કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થવી જોઈએ અને હત્યાકાંડમાં માર્યા ગયેલા ત્રણેય જણના કુટુંબીજનોને આર્થિક મદદ મળવી જોઈએ એવી પણ અરજદારે પીટિશનમાં માગણી કરી છે.

તેમણે એમ પણ કહ્યું કે લોકડાઉનના સમયમાં આવી ઘટના બની એ ગંભીર બાબત કહેવાય. તેથી સીબીઆઈને નિશ્ચિત સમયગાળામાં તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ.

આ પીટિશન પર જલદી સુનાવણી કરવામાં આવે એવી ધારણા છે.

મૃત્યુ પામનારના નામ છેઃ મહંત કલ્પવૃક્ષગિરી ઉર્ફે ચિકણે મહારાજ (70), એમના સહયોગી મહંત સુશીલગીરી (35) અને કાર ડ્રાઈવર નિલેશ તેલગડે (30). ચિકણે મહારાજ વારાણસીસ્થિત શ્રી પંચ દશનામ જૂના અખાડા સાથે સંકળાયેલા હતા અને મુંબઈના કાંદિવલી (પૂર્વ)ના ઠાકુર વિલેજ મોહલ્લામાં એક મંદિર-કમ-નિવાસસ્થાનમાં રહેતા હતા. સુરતમાં એક અન્ય સાધુના અંતિમસંસ્કારમાં હાજરી આપવા માટે 15 એપ્રિલના ગુરુવારની રાતે ચિકણે મહારાજ, સુશીલગીરી અને તેલગડે કાંદિવલીથી કારમાં રવાના થયા હતા. કહેવાય છે કે એમની કાર ગડચિંચલે-ચૌકીપાડા ગામમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એમને ચોર સમજીને ગામના લોકોએ એમની કારને રોકી એમને કારમાંથી બહાર ખેંચીને મારપીટ કરી હતી. ત્યારબાદ મામલો નજીકના કાસા ગામના પોલીસ સ્ટેશને ગયો હતો. ત્યાં પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થયેલા લોકોના ટોળાએ મહંતની ફરી મારપીટ કરી હતી જેને કારણે એમનું મૃત્યુ થયું હતું.

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે ફરજમાં બેદરકારી બતાવવા બદલ કાસા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આનંદરાવ કાળે અને કોન્સ્ટેબલ સુધીર કટારેને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કર્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]